ઘાટકોપરની સગીરાનો વિનયભંગ કરીને ધમકાવવાનો આરોપ
લોનાવલાના રિસોર્ટના એમડીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં રહેનારી ૧૭ વર્ષની સગીરાને મોબાઇલ પર અશ્ર્લીલ મેસેજ પાઠવી તેનો વિનયભંગ કરવા તથા તેને ધમકાવવાના આરોપસર પંતનગર પોલીસે લોનાવલા ખાતેના રિસોર્ટના મેનેજિંગ ડિરેક્ટર (એમડી)ની ધરપકડ કરી હતી.
પંતનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સગીરાની ફરિયાદને આધારે ગયા સપ્તાહે અનિલ વડગામા (૫૬) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વડગામાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને તે બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં છે.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે સગીરાની માતા વ્યવસાય અર્થે અવારનવાર લોનાવલા જતી હતી અને બે વર્ષ અગાઉ સગીરાની મુલાકાત લોનાવલાના રિસોર્ટના એમડી અનિલ વડગામા સાથે થઇ હતી. વડગામા બાદમાં સગીરાને વ્હૉટ્સઍપ પર મેસેજ પાઠવીને ખબરઅંતર પૂછતો અને સગીરા પણ તેને રિપ્લાય આપતી હતી.
જોકે ડિસેમ્બર, ૨૦૨૨માં વડગામાએ અભદ્ર ભાષામાં મેસેજ મોકલતાં સગીરાએ તેને આવા મેસેજ ન મોકલવાનું કહ્યું હતું. આથી તેણે સગીરાને કૉલ કરીને તેની માતાના વ્યવસાયમાં આર્થિક મદદ ના પાડીને અપ્રત્યક્ષ રીતે તેને ધમકાવી હતી. સગીરાએ એ સમયે માતાને આની જાણ કરી નહોતી અને માતાના વ્યવસાયને અસર ન થાય એ માટે તેણે મેસેજનો રિપ્લાય આપ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે જાન્યુઆરી, ૨૦૨૩માં વડગામા મુંબઇ આવ્યા બાદ સગીરાની માતાને કૉલ કર્યો હતો અને વ્યવસાય સંબંધે મળવા માટે ઘાટકોપર પશ્ર્ચિમના મૉલમાં બોલાવી હતી. એ સમયે માતા સાથે સગીરા પણ ત્યાં ગઇ હતી.
મૉલની રેસ્ટોરાંમાં તેણે સગીરાને કિસ કરી હતી, એવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. વડગામાં બાદમાં સગીરાને અશ્ર્લીલ મેસેજ મોકલવા લાગ્યો હતો અને કૉલ કરી તેને ધમકાવવા લાગ્યો હતો. આ ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે તેની માતાને તમામ હકીકત જણાવી હતી. માતા-પિતાના કહેવાથી તેણે વડગામા વિરુદ્ધ પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.