ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી બહાર લગાવ્યા પોસ્ટર, હું ફરીથી લડીશ…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ બંને તેમની પાસેથી ઝુંટવાઇ ગયા. ત્યાર બાદ તેમણે શિવસેના (UBT)ની રચના કરી. વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી જંગ એકનાથ શિંદેની શિવસેના અને શિવસેના યુબીટી વચ્ચે હોવાનું મનાતું હતું અને આ રેસમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને માત આપી છે અને ક્યાંય આગળ નીકળી ગયા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના માંડ માંડ 29 બેઠક જીતી શકી છે. વિધાન સભાની ચૂંટણીમાં આવો રકાસ જોઇને લાગતું હતું કે ઉદ્ધવ ઠાકરે હવે નબળા પડી જશે, પણ તેમણે લોકોની એવી માન્યતાને ખોટી પાડી છે. તેમના નિવાસ સ્થાન માતોશ્રીની બહાર તેમણે પોસ્ટર લગાવ્યા છે, જેમાં જનતાને સંદેશ આપવામાં આવ્યો છે. પોસ્ટર પર એમ લખ્યું છે કે ‘ભલે હું લડતી વખતે હારી ગયો છું… પરંતુ મને હાર્યાનું દુઃખ નથી. આ લડાઈ મારા મહારાષ્ટ્રની છે, આ લડાઈનો કોઈ અંત નથી. હું ઉભો થઈશ. મહારાષ્ટ્રના ધર્મની રક્ષા માટે ફરીથી લડીશ’. સ્વાભાવિક રીતે જ આ પોસ્ટરો શિવસેના (UBT) દ્વારા લગાવવામાં આવ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 36 બેઠકો પર હરાવી છે. શિંદેસેના 81 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમણે 57 સીટ મેળવી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના 95 બેઠક પર ચૂંટણી લડી હતી અને તેમણે માત્ર 20 સીટ જીતી છે. શિંદે સેનાને મળેલા મતોની ટકાવારી 12.38 ટકા છે અને ઉદ્ધb ઠાકરેની શિવસેનાને મળેલા મતોની ટકાવારી 9.96 હતી.
આ પણ વાંચો…વૈશ્વિક સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં રૂ. 1089 તૂટ્યા, ચાંદી રૂ. 1762 ગબડી
મહારાષ્ટ્ર વિધાન સભાની કુલ 288 બેઠકમાંથી મહાયુતિના ભાજપે 132 સીટ, અજિત પવારની એનસીપીએ 41 સીટ અને શિંદેની શિવસેનાએ 57 સીટ એમ કુલ 230 બેઠક પર વિજય મેળવ્યો છે. મહા વિકાસ આઘાડીમાં શિવસેના (UBT)એ 20 સીટ, કૉંગ્રેસે 16 સીટ અને શરદ પવારની એનસીપીએ 10 એમ કુલ 46 બેઠક જીતી છે. બાકીની 12 સીટ અપક્ષના ખાતામાં ગઇ છે.