Shahrukh Khan ના બંગલો ‘મન્નત’નું કદ વધશે? ગૌરી ખાને ઓથોરિટી પાસે માંગી મંજૂરી…
મુંબઈઃ અભિનેતા શાહરૂખ ખાનનું મુંબઈના બાંદ્રા ખાતેના બંગલો ‘મન્નત’ દેશમાં જાણીતો છે. શાહરૂખના સી-ફેસિંગ, કોલોનિયલ-શૈલીનું હેરિટેજ બિલ્ડિંગ ૨,૦૯૧.૩૮ ચોરસ મીટરના પ્લોટ પર બાંધવામાં આવ્યું છે, જેમાં આધુનિક 6 માળ છે, જેમાં શાહરુખ પરિવાર સાથે રહે છે.
અહેવાલ મુજબ અભિનેતાની પત્ની ગૌરી ખાને નવમી નવેમ્બરના મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસે એક અરજી કરીને કુલ બિલ્ટ અપ એરિયામાં બીજા ૬૧૬.૦૨ ચોરસ મીટરનો ઉમેરો કરીને એનેક્સીમાં વધુ બે માળ ઉમેરવાની મંજૂરી માંગી છે.
અરજી મુજબ ખાન મન્નતમાં સાતમો અને આઠમો માળ ઉમેરવા માંગે છે, જેમાં હાલમાં બે લેવલ બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર અને છ માળ છે. અરજદાર દ્વારા કોસ્ટલ ઝોન ઓથોરિટીને સુપરત કરાયેલા પેપર્સ મુજબ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹ ૨૫ કરોડ છે.
આ પણ વાંચો : પુષ્પા-2ના વાઇલ્ડ ફાયરે બૉક્સ ઑફિસ પર લગાવી દીધી આગ, છ દિવસમાં 1000 કરોડની કલબમાં સામેલ
૨૦૧૯માં વિકાસ અધિકારોના સ્થાનાંતરણના ઉપયોગને મંજૂરી આપવા માટે સીઆરઝેડ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશનમાં વધારાના ફ્લોર સ્પેસ ઇન્ડેક્સને પણ મંજૂરી મળતા જે લોકોની ઇમારતો સીઆરઝેડ હેઠળ આવતી હોય તેમને વધુ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
પ્રેક્ટિસિંગ એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ અને ટાઉન પ્લાનર્સ એસોસિએશનના સભ્ય મનોજ ડેસરૈયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સીઆરઝેડ વિસ્તારમાં મિલકતો ધરાવતા ઘણા ક્રિકેટરો, ઉદ્યોગપતિઓએ તેમની હાલની જગ્યામાં વધારો કરવા માટે વધારાની એફએસઆઈની જોગવાઈઓનો ઉપયોગ કર્યો છે. શાહરુખની અરજી મુદ્દે આજે નિર્ણય લઈ શકાય છે.
૧૯૯૭માં જ્યારે શાહરૂખ ખાનનો સિતારો બુલંદી પર હતો ત્યારે અભિનેતાએ હેરિટેજ વિલા વિયેનામાં શૂટિંગ કર્યું હતું, જે બાઈ ખ્રશેદ ભાનુ સંજના ટ્રસ્ટના ટ્રસ્ટી નરીમન કે. દુબાશની માલિકીનું હતું. સ્ટાર બંગલાની ભવ્યતા અને સ્થાનથી એટલો પ્રભાવિત થયો કે તેણે આખરે તેને ખરીદવાનું નક્કી કર્યું. આખરે ૨૦૦૧માં બંગલો ખરીદ્યો હતો અને તેનું નામ બદલીને ‘મન્નત’ રાખ્યું હતું.