મુંબઇઃ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં મકાન ધરાશાયી થઈ ગયું હતું. વિસ્ફોટ બાદ 11 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
બુધવારે વહેલી સવારે ઉત્તર-પૂર્વ મુંબઈના ચેમ્બુરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે થયેલા એક ઘર અકસ્માતમાં એક પરિવારના ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. BMC ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા અનુસાર, સવારે 7.30 વાગ્યે થયેલા વિસ્ફોટ બાદ તૂટી પડેલા બિલ્ડિંગના કાટમાળમાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર કંટ્રોલે જણાવ્યું હતું કે વિસ્ફોટ ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં ગોલ્ફ ક્લબની નજીકના જૂના વિસ્તારમાં થયો હતો, જેના કારણે ત્યાં 4-5 એક માળની ઇમારતો ધરાશાયી થઈ હતી. લગભગ અડધો ડઝન લોકો ઉપરના માળે ફસાયા હતા, પરંતુ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને ત્યાં પહોંચેલા અન્ય લોકોએ તેમને બચાવી લીધા હતા. આ વિસ્ફોટ કેવી રીતે થયો એ અંગે હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી. જોકે, પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સિલિન્ડર વિસ્ફોટનું કારણ જાણવા મળશે. દરમિયાનમાં ઘાયલોની ઓળખ વિકાસ અંભોર (50), અશોક અંભોર (27), સવિતા અંભોર (47), રોહિત અંભોર (29) તરીકે થઇ છે.