તો મુંબઈના રસ્તા પર કચરો ઉપાડવાનું બંધ થશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

તો મુંબઈના રસ્તા પર કચરો ઉપાડવાનું બંધ થશે

ખાનગીકરણના વિરોધમાં સફાઈ કર્મચારીઓ હડતાળની તરફેણમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કચરો ભેગો કરીને તેને લઈ જવા માટે કૉન્ટ્રેક્ટરો પાસેથી વાહનો અને સેવા લેવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે લીધો હોઈ તેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, તેની વિરુદ્ધમાં તમામ કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. જો પ્રશાસને આ કૉન્ટ્રેક્ટ રદ નહીં કર્યો તો રસ્તા પરથી કચરો ઉપાડવાનું બંધ કરીને હડતાળ પર ઉતરવાની ચીમકી યુનિયને આપી છે.

સફાઈ ખાતાના કામકાજનું ૧૦૦ ટકા ખાનગીકરણ કરવાના વિરોધમાં આંદોલન વધુ તીવ્ર કરવા માટે સફાઈ કર્મચારીઓની મદદથી કરવામાં આવેલા મતદાનમાં હડતાળની તરફેણમાં મતદાન થયું હોવાનો દાવો મ્યુનિસિપલ કામગાર ઍક્શન કમિટીએ કર્યો છે. શહેરમાં પહેલા તબક્કાના મતદાનમાં ૯૭ ટકા કર્મચારીઓએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હોઈ ગુરુવારે આઝાદ મેદાનમાં મોર્ચો કાઢીને હડતાળ બાબતે નિર્ણય લેવામાં આવશે, એવું એક્શન કમિટીએ જણાવ્યું હતું.
૧૬ જુલાઈ, ૨૦૨૫ના પાલિકાના સફાઈ ખાતાની તમામ ચોકી પર તેમ જ પરિવહન ખાતાના યાનગૃહમાં ખાનગીકરણના વિરોધમાં હડતાળ કરવી કે નહીં તે માટે બુધવારે એક્શન કમિટીએ મતદાન યોજ્યું હતું. તેની મત ગણતરી બુધવારે ૧૬ જુલાઈના સવારના ૧૧ વાગ્યાથી ચાલુ થઈ હતી અને તમામ વોર્ડમાં મતોની ગણતરી મોડી રાત સુધી ચાલી હોવાનું એક્શન કમિટીએ જણાવ્યું હતું.

એક્શન કમિટીના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં દક્ષિણ મુંબઈના નવ વોર્ડના સફાઈ ખાતાના કુલ ૮,૮૫૦ કાયમી સફાઈ કર્મચારી અને કૉન્ટ્રેક્ટ પર કર્મચારીઓએ મતદાન કર્યું હતું, તેમાંથી ૯૭ ટકા કર્મચારીઓએ હડતાળ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. તો ૯૩ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ૧૨ મત ગેરલાયક ઠર્યા હતા. શહેરના નવ વોર્ડના સફાઈ કર્મચારીએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હોઈ બાકીના ૧૫ વોર્ડમાં પણ કર્મચારીઓ તેની તરફેણ કરશે એવું એક્શન કમિટીનું માનવું છે.

પાલિકાના સફાઈ કામગાર મ્યુનિસિપલ કામગાર એક્શન કમિટીના નેતૃત્વમાં ૧૭ જુલાઈ, ૨૦૨૫ ગુરુવારના સવારના ૧૦ વાગે આઝાદ મેદાનમાં ભેગા થશે અને બાદમાં મુખ્ય પ્રધાનને મળવા જશે. મુખ્ય પ્રધાન સાથેની મુલાકાત બાદ બેમુદત હડતાળ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે એવું એક્શન કમિટીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…પહેલી જુલાઈથી કચરો ઉપાડવાનું સુધરાઈના કર્મચારીઓ બંધ કરશે!

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button