આમચી મુંબઈ

આજથી ત્રણ દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબાની ધૂમ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતા અને વિધાન પરિષદમાં ભાજપના નેતા પ્રવીણ દરેકરે લખેલા પત્રને આધારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને શુક્રવારે ખેલૈયાઓને મોટી ભેટ આપવાનો નિર્ણય લેતાં હવે આગામી ત્રણ દિવસ એટલે કે શનિવાર, રવિવાર અને સોમવારે રાતે બાર વાગ્યા સુધી નવરાત્રી રમી શકાશે.

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે વહેલી સવારે બહાર પાડેલા આદેશ બાદ સળંગ ત્રણ દિવસ રાતે બાર વાગ્યા સુધી નવરાત્રીના કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
ભાજપના નેતા અને બોરીવલીની એક નવરાત્રીના આયોજક પ્રવીણ દરેકર ઉપરાંત અન્ય કેટલાક આયોજકોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને નવરાત્રીમાં દિવસો વધારી આપવાની વિનંતી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે મૂળ સરકારી આદેશ મુજબ શનિવારે અને સોમવારે રાતે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકરની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આયોજકોની માગણીને પગલે રવિવારે પણ રાતે બાર વાગ્યા સુધી રમવાની પરવાનગી આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાતે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકરના ઉપયોગની પરવાનગી નથી. આ આદેશમાં રાજ્ય સરકારોને કેટલાક દિવસની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર પાસે પાંચ દિવસની રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકરની પરવાનગી ફાજલ પડી હોવાથી નવરાત્રી આયોજકો ચાર દિવસ રાતે બાર વાગ્યા સુધીની પરવાનગી માગી રહ્યા હતા, પરંતુ સરકારે ફક્ત એક દિવસ વધારાની પરવાનગી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button