ગણપતિબાપ્પાની વિદાયમાં વરસાદનું વિધ્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આગામી ત્રણથી ચાર ચ દિવસ વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે આજે અનંત ચતુર્દશીના ગણપતિબાપ્પાની વિદાય સમયે વરસાદનું વિધ્ન નડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
મુંબઈમાં શુક્રવાર સવારથી અનેક વિસ્તારોમાં વરસાદનું જોર રહ્યુંં હતું. જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે, રાયગઢ માટે યલો અલર્ટ જાહેર કરીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો પાલઘર માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મુંબઈમાં ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ બંગાળના ઉપસાગર પર લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશર હાલ પશ્ર્ચિમ-ઉત્તર-પશ્ર્ચિમ તરફ સરકી રહ્યું છે. એ સાથે જ નૈઋત્યનું ચોમાસું પણ ફરી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય થયું છે.
એ ઉપરાંત રાજસ્થાન અને નજીકના આકાશમાં ૫.૮ કિલોમીટર અંતરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે. આ તમામ પરિબળોને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.