મુંબઈ એરપોર્ટ પર 56 કરોડનો ગાંજો પકડાયો: પાંચ પ્રવાસીની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 56 કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો પકડી પાડી પાંચ પ્રવાસીની ધરપકડ કરી હતી. પાંચેય પ્રવાસી પોતાની ટ્રોલી બેગમાં ગાંજો છુપાવી લાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બેંગકોકથી બુધવારે ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા પાંચ પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યા હતા. તેમના સામાનની તલાશી લેવામાં આવતાં ટ્રોલી બેગમાંથી 56.26 કરોડ રૂપિયાનો 56.26 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આથી પાંચેય પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અજબ મુંબઈની ગજબ કહાનીઃ મુંબઈનું પોલીસ સ્ટેશન બન્યું છે પાકિસ્તાની નાગરિકનું ઘર
પ્રવાસીઆએે ગાંજાનો આ જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને તે કોને આપવા માટે મુંબઈમાં લાવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) ગયા સપ્તાહે ફ્લાઇટમાં બેંગકોકથી આવેલા બે પ્રવાસી પાસેથી 8.15 કરોડનો ગાંજો જપ્ત કર્યો હતો. ગુજરાતના રહેવાસી એવા બંને પ્રવાસીએ આ અગાઉ પણ ગાંજાની તસ્કરી કરી હતી.