ગૅન્ગસ્ટર શરદ મોહોળ હત્યા કેસ: આરોપીઓના મોબાઈલમાંથી 19,827 ઓડિયો ક્લિપ મળી
પુણે: પુણેના કુખ્યાત ગૅન્ગસ્ટર શરદ મોહોળ હત્યા કેસની તપાસ કરી રહેલી પુણે પોલીસને કેટલીક મહત્ત્વની માહિતી હાથ લાગી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ફોન્સમાંથી એક-બે નહીં, પણ 19,827 ઓડિયો ક્લિપ્સ મળી આવી હતી. શરદ મોહોળની હત્યાના કાવતરાથી માંડીને તેને અંજામ આપવા સુધી આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ્સ હોવાનો દાવો પોલીસ સૂત્રોએ કર્યો હતો.
પુણેના કોથરુડ વિસ્તારમાં પાંચમી જાન્યુઆરીએ ગોળી મારી શરદ મોહોળની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પુણે ક્રાઈમ બ્રાન્ચે સૂત્રધાર વિઠ્ઠલ શેલાર અને ગણેશ મારણે સહિત 16 જણની ધરપકડ કરી હતી. ગુનાની ગંભીરતાથી વ્યાપ્તિને જોઈ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે એમસીઓસીએ લગાવવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોન્સની તપાસમાં પોલીસને 19,827 ઓડિયો ક્લિપ્સ મળી હતી. આરોપીઓએ એકબીજાના સંપર્ક માટે આ ઓડિયો ક્લિપ્સનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસે અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ક્લિપ્સનું વિશ્ર્લેષણ કર્યું હતું, જેમાંથી છ ક્લિપ્સ તો ચાવીરૂપ પુરાવા તરીકે મહત્ત્વની સાબિત થઈ શકે છે, એવું સૂત્રોનું કહેવું છે.
મોહોળની હત્યાનું કાવતરું આરોપીઓએ કઈ રીતે ઘડ્યું અને તેને કઈ રીતે અંજામ આપ્યો તે અંગેની વાતચીતના પુરાવા આ ઓડિયો ક્લિપ્સમાંથી પ્રાપ્ત થયા હોવાનું કહેવાય છે. મુખ્ય આરોપી વિઠ્ઠલ શેલારે મોહોળની હત્યા માટે અમુક નાણાં હુમલાખોરોને પૂરાં પાડ્યાં હોવાનું ક્લિપ્સ પરથી સ્પષ્ટ થાય છે.