રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હોન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકી પકડાઈ
સૉફ્ટવેર અને હાર્ડવેરમાં ફેરફાર કરી મશીન ફરી કાળાબજારમાં વેચાતાં હોવાની પોલીસને શંકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોબાઈલ ટાવર પર નેટવર્ક માટે બેસાડવામાં આવેલાં રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હૉન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પકડી પાડી હતી. દેશનાં અનેક રાજ્યોમાં મોબાઈલ ટાવર પરથી મશીન ચોરનારી આ ટોળકી પાસેથી પોલીસે 36 મશીન જપ્ત કર્યાં હતાં. સૉફ્ટવેર અને હાર્ડવેરમાં ફેરફાર કરીને મશીનને કાળાબજારમાં ફરી વેચવામાં આવતાં હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શુભમ બિનયકુમાર યાદવ (24), શૈલેષ રામઅભિલાશ યાદવ (25), કપૂરચંદ્ર સુરેશ ગુપ્તા (25), બન્સીલાલ કેવલચંદ જૈન (50), ઝાકીર મોહમ્મદ સલીમ મલિક (25), ઝૈદ અન્વર મલિક (19) અને મોહમ્મદ ઝુનેદ મોહમ્મદ આરીફ મલિક (24) તરીકે થઈ હતી.

આ પણ વાંચો : ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ
પોલીસ ફરિયાદ અનુસાર નાલાસોપારા પૂર્વમાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા ફાઈવ-જી નેટવર્ક માટે મોબાઈલ ટાવર પર આધુનિક રેડિયો ક્રિક્વન્સી મશીન બેસાડવામાં આવ્યું હતું. આ મશીન 22 ઑગસ્ટની બપોરે અજાણ્યા શખસે ચોર્યું હોવાની ફરિયાદ આચોલે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તાજેતરના સમયગાળામાં આ રીતે મશીન ચોરીની ઉપરાછાપરી ઘટનાઓ બનતાં ક્રાઈમ બ્રાન્ચને તપાસનો આદેશ અપાયો હતો.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી શુભમ, શૈલેષ, કપૂરચંદ્ર અને બન્સીલાલને મુંબઈથી પકડી પાડ્યા હતા. તેમણે આપેલી માહિતી પરથી ઝાકીર અને ઝૈદને દિલ્હીથી, જ્યારે મોહમ્મદ ઝુનેદને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી તાબામાં લેવાયા હતા.
પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે મશીન ચોરીને હોન્ગકોન્ગ અને ચીનમાં ગેરકાયદે રીતે વેચવામાં આવતાં હતાં. તેમની પાસેથી અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતનાં મશીન-કાર્ડ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ મશીન આરોપીઓએ બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, પંજાબ અને ગોવાથી ચોર્યાં હોવાનું તપાસમાં જણાયું હતું. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી બાઈક પર હસ્તગત કરાઈ હતી. આરોપીઓ વિરુદ્ધ મુંબઈ, થાણે અને બિહારમાં આવા જ પ્રકારના 20થી વધુ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.