ભિવંડીમાં સ્કૂલ નજીક અને પિકઅપ વૅનમાં યુવતી પર ગૅન્ગ રેપ: છ સામે ગુનો

થાણે: ભિવંડીમાં એક સ્કૂલ નજીકના ઝાડીઝાંખરાંમાં અને પછી પિકઅપ વૅનમાં યુવતી સાથે કથિત સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બનતાં પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
શાંતિ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની વહેલી સવારે બની હતી. ફરિયાદ અનુસાર નાગાંવ ખાતેની એક સ્કૂલ નજીક અને પછી ફાતિમા નગર ખાતે પિકઅપ વૅનમાં આરોપીઓએ દુષ્કર્મ કર્યું હતું.
ફરિયાદમાં જણાવાયું હતું કે બાવીસ વર્ષની યુવતીને તેના ભાઈના મોબાઈલ ફોન પરથી કૉલ આવ્યો હતો અને તે તકલીફમાં હોવાનો દાવો કર્યો હતો. મદદની જરૂર હોવાથી યુવતી તાત્કાલિક રિક્ષામાં સ્કૂલ નજીક પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર આરોપીઓએ યુવતી અને તેના ભાઈની મારપીટ કરી હતી.
આરોપીઓની ટોળકીએ યુવતી જે રિક્ષામાં ગઈ હતી તેના ડ્રાઈવરને પણ ફટકાર્યો હતો. રિક્ષા ડ્રાઈવર નાસી છૂટ્યા પછી યુવતીને સ્કૂલ નજીકના ઝાડીઝાંખરાંમાં લઈ જઈ આરોપીએ કુકર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને પિકઅપ વૅનમાં ફાતિમા નગર ખાતે લઈ જવાઈ હતી. ત્યાં વૅનમાં જ તેની સાથે જબરદસ્તી કરાઈ હોવાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભિવંડીમાં લગ્નની લાલચે બાર સિંગર સાથે શારીરિક સંબંધ: અશ્ર્લીલ તસવીરો શૅર કરી
આરોપીઓની ચુંગાલમાંથી છટકીને યુવતી નજીકના ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસે ઝીરો એફઆઈઆર નોંધી કેસ શાંતિ નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની બળાત્કાર, સામૂહિક બળાત્કાર તેમ જ અન્ય સુસંગત કલમો હેઠળ છ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)