70 ગુનામાં સંડોવાયેલી ટોળકી પકડાઇ: રૂ. 50.10 લાખની મતા જપ્ત
થાણે: ચેનસ્નેચિંગ, મોબાઇલ તથા વાહનચોરીના 70 જેટલા ગુનામાં સંડોવાયેલી ટોળકીના ચાર સભ્યને થાણે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓ પાસેથી 5.18 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.
થાણે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ તૌફીક તેજીબ હુસેન, મોહંમદઅલી ઉર્ફે કાલીચરન ઝેવેરઅલી, અબ્બાસ સલ્લુ જાફરી અને સૂરજ ઉર્ફે છોટ્યા મનોજ સાળુંખે તરીકે થઇ હતી. આરોપી તૌફીક હુસેન અને મોહંમદઅલી કર્ણાટકના વતની છે.
આ પણ વાંચો : યુપીમાં લૂંટના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે થાણેમાં ઝડપાયો
કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ઉપરોક્ત ગુના તથા થાણેના વિવિધ વિસ્તારોમાં ચેનસ્નેચિંગ, મોબાઇલ તથા વાહનચોરીના ગુનામાં સંડોવાયેલી ટોળકીના સભ્યો કલ્યાણના આંબિવલી વિસ્તારમાં આવવાના છે. આથી પોલીસ ટીમે છટકું ગોઠવીને ચાર આરોપીને પકડી પાડ્યા હતા.
આરોપીઓએ થાણે, ભિવંડી, બદલાપુર, અંબરનાથ, કલ્યાણ તેમ જ શિળ-ડાયઘર વિસ્તારમાં ચેનસ્નેચિંગના 40 ગુના, મોબાઇલ ચોરીના 24 ગુના અને વાહનચોરીના છ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી સોનાના દાગીના, મોટરસાઇકલકાર સહિત રૂ. 50.18 લાખની મતા જપ્ત કરવામાં આવી હતી.