મુંબઈમાં ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવમાં ભક્તોને વરસાદનું વિધ્ન નડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ફરી એક વખત લો પ્રેશર નિર્માણ થવાને કારણે રાજ્યમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ માટે આજે યલો અલર્ટ હોઈ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગયા અઠવાડિયે મુંબઈને ધમરોળી નાખનારો વરસાદ ગણેશોત્સવમાં ફરી સક્રિય થવાની શક્યતા છે. મુંબઈમાં સોમવાર સવારના ભારે વરસાદ રહ્યા બાદ બપોર પછી બ્રેક લીધો હતો. મંગળવારે આખો દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે છૂટોછવાયો વરસાદ પડયો હતો. તો રાજ્યમાં કોંકણ સહિત અનેક જિલ્લામાં દિવસ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે ગણેશોત્સવ માટે ખાસ મુંબઈથી કોંકણ જનારા લોકોને ભારે હાલાકીનો અનુભવ થયો હતો.
મુંબઈમાં ગણેશ મૂર્તિનું વિસર્જન ભારે વરસાદ વચ્ચે થઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવારે વરસાદનુંં જોર રહેશે. તો કોંકણ, ગોવામાં ૩૦ ઑગસ્ટ સુધી મુશળધાર વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્રની સાથે જ ગુજરાતને પણ વરસાદનો ફટકો પડી શકે છે.