ગણેશોત્સવ મંડળો પાસેથી હવે ૨,૦૦૦ નો જ દંડ વસૂલાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમ્યાન મંડપ માટે ખાડાઓ ખોદવા માટે ગણેશોત્સવ મંડળો પર પ્રતિ ખાડા માટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ વધારાને પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી સાથે ચર્ચા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ નિર્દેશ આપ્યો હતો કે પ્રતિ ખાડા દંડની રકમ મૂળ ૨,૦૦૦ રૂપિયા જ રહેશે.
દંડની રકમમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ સોશિયલ મિડિયા પર દંડની રકમમાં ઘટાડો બાબતે પોસ્ટ કરતા કહ્યું હતું કે કમિશનર સાથે ચર્ચા બાદ દંડ વધારવો ન જોઈએ એવો નિેર્દેશ આપ્યો હતો.
શિંદેએ મંડળોને પણ પણ કૉંક્રીટના રસ્તા પર ખોદવાનું ટાળવા અને માળખાગત નુકસાન ઓછું કરવા માટે મંડપ બનાવવા માટે આધુનિક પદ્ધતિને અમલમાં મૂકવાની સૂચના આપી હતી. રાજ્યના કેબિનેટ પ્રધાનના હસ્તક્ષેપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેમણે બુધવારે સાર્વજનિક મંડળો સાથે બેઠક કર્યા બાદ દંડ ઘટાડવામાં આવશે અને આ મુદ્દો પાલિકા કમિશનર સમક્ષ ઉઠાવવાનું વચન પણ આપ્યું હતું.
વર્ષોથી પાલિકા ગણેશ મંડળો દ્વારા મંડપ બાંધવા માટે કરવામાં આવતા ખાડા માટે ગણેશોત્સવ બાદ દંડ વસૂલ કરતી આવી છે, જેમાં પ્રતિ ખાડા ૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જોકે આ વર્ષે ૨૧ જુલાઈના રોજ પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં દંડની રકમ વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. તેનાથી મુંબઈના તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં નારાજગી વ્યાપી ગઈ હતી.
બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકરે ખાડા માટે ૧૫,૦૦૦ રૂપિયા દંડ વસૂલવાનો નિર્ણય પાછો ખેંચવાનું સ્વાગત કરતા કહ્યું હતું કે પ્રતિ ખાડા આટલી મોટી રકમ વસૂલ કરવી મંડપ માટે નાણાકીય બોજ બની રહેવાનો હતો.
આ પણ વાંચો…પર્યાવરણપૂરક ગણેશોત્સવ: મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટીનું વિતરણ