ગણેશોત્સવમાં ફૂલોના ભાવ આસમાને

મુંબઈ: મહારાષ્ટ્ર સહિત આજુબાજુના રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા મુશળધાર વરસાદને પગલે ફૂલોની આવક મુંબઈના બજારોમાં ઓછી થવાને કારણે બરોબર ગણેશોત્સવના તહેવારમાં ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે.
મહારાષ્ટ્ર સહિત આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છેલ્લા આઠ દિવસમાં ભારે વરસાદ પડી ગયો છે અને તેને કારણે આ રાજ્યોમાં થતી ફૂલોની ખેતીને તો નુકસાન થયું છે પણ સાથે જ અનેક શહેરોમાં રેલવેના ટ્રેક પાણી નીચે જતા રહ્યા હતા. વરસાદને પગલે રેલ વ્યવહારને મોટો ફટકો પડયો હતો, તેને કારણે મુંબઈની બજારમાં ફૂલો પહોંચી શક્યા નથી અને ભાવમાં મોટો ઉછાળો થયો હોવાનું કહેવાય છે.
ફૂલ બજાર સાથે સંકળાયેલા વેપારીના કહેવા મુજબ નાંદેડ જિલ્લામાં સતત પડેલા વરસાદને કારણે સ્થાનિક સ્તરે શાકભાજીના પાકની સાથે જ ફૂલોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સ્થાનિક બજારમાં માલ ઉપલબ્ધ નથી.
મહારાષ્ટ્રની સાથે જ તેલંગણામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાંના પોચમપાડ અને નિઝામસાગર આ બે મોટા બંધનું પાણી છોડવામાં આવ્યું હતું અને તેને કારણે અનેક જગ્યાએ ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. તો અમુક જગ્યાએ રેલવે લાઈન પાણીની નીચે આવીને ધોવાઈ ગઈ હતી, તેને કારણે દક્ષિણ મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. રેલવે લાઈન બંધ થઈ જવાને કારણે બરોબર ગણેશોત્સવના તહેવારના સમયે ફૂલોની આવક મુંબઈમાં થઈ શકી નહોતી.
બજારમાં માલ ઓછો હોવાથી ફૂલોની કિંમતમાં જબરો ઉછાળો આવ્યો છે. ગલગોટાના ફૂલના રવિવારે ૮૦થી ૧૫૦ રૂપિયાના ભાવો હતા. ગુલાબના ૪૦૦થી ૬૦૦ રૂપિયા તો સેવંતીના ફૂલ ૫૦૦થી ૬૦૦ રૂપિયા કિલોએ વેચાયા હતા. મોગરાના દર ૫૦ રૂપિયાએ પહોંચી ગયા હતા. લિલીના દર ૯૦૦ રૂપિયા પહોંચી ગયા હતા.