ગણેશોત્સવમાં લેવાનારી પરીક્ષાઓ પાછી ઠેલો: મનસેની રજૂઆત
અમિત ઠાકરે ભાજપના આશિષ શેલારને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મનસેના નેતા અમિત રાજ ઠાકરે શનિવારે સવારે ભાજપના નેતા અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ખાતા અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારને મળ્યા હતા. બે દિવસ પહેલાં જ રાજ ઠાકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને મુંબઈમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે આ મુદ્દાને ઉકેલવા અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. ત્યારબાદ, શનિવારે તેમના પુત્રે મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારની મુલાકાત લીધી હોવાથી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
આશિષ શેલાર મુંબઈ ભાજપના પ્રમુખ છે અને મુંબઈના પાલક પ્રધાન પણ છે. ભાજપ તેમના નેતૃત્વમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણી લડી શકે છે. તે સમયે, અમિત ઠાકરેની બેઠક અંગે ઉત્સુકતા હતી.
આપણ વાંચો: અમિત શાહ અને રાજ ઠાકરેની મુલાકાતઃ ઠાકરે અને શરદ પવાર જૂથે શું આપી પ્રતિક્રિયા?
રાજ્યની કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ અને કોલેજોએ ગણેશ ઉત્સવ દરમિયાન પરીક્ષાઓની જાહેરાત કરી છે. પરીક્ષાનું સમયપત્રક સરકારની નીતિીની વિરોધાભાસી છે. આ સમય દરમિયાન પરીક્ષા રાખવાનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને તહેવારથી દૂર રાખવા, એમ અમિત ઠાકરેએ કહ્યું હતું.
તેમણે કહ્યું કે આ વર્ષે 27 ઓગસ્ટથી છઠી સપ્ટેમ્બર સુધી ઉજવાતો ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ નથી પણ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ મહત્વપૂર્ણ છે. મનસેની વિદ્યાર્થી પાંખ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ પરીક્ષાઓ યોજવા દેશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.
ન્યૂઝ ચેનલોએ પણ દર્શાવ્યું હતું કે આ બેઠક દરમિયાન કોઈ સમયે બંને નેતાઓએ અલગ અલગ ચર્ચા કરી હતી. આ બેઠક પછી અમિત ઠાકરેએ મીડિયા સાથે વાતચીત કરતા બેઠક પાછળનું કારણ આપતાં કહ્યું હતું કે ગણેશોત્સવ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે.
આપણ વાંચો: રાજ ઠાકરે પહોંચ્યા માતોશ્રીઃ ઉદ્ધવ ઠાકરેને માત્ર પુષ્પગુચ્છ કે પછી…
આશિષ શેલારે તાજેતરના વિધાનસભાના ચોમાસું સત્રમાં ગણેશોત્સવને રાજ્ય ઉત્સવનો દરજ્જો આપ્યો હતો, પરંતુ અમને માહિતી મળી છે કે આ તહેવાર દરમિયાન મુંબઈની કેટલીક કોલેજો અને ખાનગી શાળાઓમાં પરીક્ષાઓ લેવામાં આવશે. ગણેશોત્સવને રાજ્ય ઉત્સવનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવી યોગ્ય નથી.
ઘણા લોકો ગણેશોત્સવ નિમિત્તે તેમના વતન ગામોમાં જાય છે. જો વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા તેમના ગામ ગયા પછી પરીક્ષા માટે મુંબઈમાં રહે છે, તો ક્યાંક કૌટુંબિક તણાવનું વાતાવરણ ઉભું થઈ શકે છે. આ કારણે આશિષ શેલાર પાસે એવી માગણી કરી હતી કે આ સમયગાળા દરમિયાન પરીક્ષાઓ રદ કરવામાં આવે.
અમિત ઠાકરે દ્વારા કરવામાં આવેલી માગણી અંગે, મુખ્ય સચિવ સાથે ચર્ચા કરીને અને સંબંધિત તમામ વિભાગો સાથે સંકલન કરીને પરીક્ષાનું સમયપત્રક મુલતવી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આશિષ શેલારે એવી માહિતી આપી હતી કે સરકાર વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તહેવારનો આનંદ માણી શકાય તે માટે પ્રયાસ કરી રહી છે.
આપણ વાંચો: રાજે મરાઠી ઉદ્ધવ માટે સત્તા માટે વાત કરી: ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે
શિક્ષણ પ્રધાનને રજૂઆત કેમ ન કરી?
આ મુદ્દો શિક્ષણ સાથે સંબંધિત હોવાથી, આ અંગે શિક્ષણ પ્રધાનને રજૂઆત કેમ ન કરવામાં આવી? એવા સવાલના જવાબમાં અમિત ઠાકરેએ કહ્યું હતું કે, ‘અમે વિવિધ પ્રધાનો પાસે જવાને બદલે આશિષ શેલારને જ મળ્યા હતા. તેમણે જ ગણેશોત્સવને રાજ્ય ઉત્સવનો દરજ્જો આપ્યો હતો. તેથી જ અમે શેલારને મળ્યા.
અલગ ચર્ચાનું કારણ…
આ મુલાકાત દરમિયાન થોડી મિનિટો માટે બંનેએ અલગ બેસીને ચર્ચા કરી હતી તેનું કારણ શું છે? એવું જ્યારે અમિત ઠાકરેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા જૂના સંબંધો છે. તેથી જ અમે કેટલાક ખાનગી મુદ્દાઓ પર વાત કરી રહ્યા હતા. આનાથી વધુ કંઈ નહીં.