પીઓપીની ગણેશ મૂર્તિઓનો મુદ્દો ફરી પહોંચ્યો હાઈ કોર્ટમાં
મુંબઈ: ગણેશ મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)નો ઉપયોગ કરવા પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ગણેશ મૂર્તિઓ પીઓપીથી બની રહી છે તથા રાજ્ય સરકાર અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) દ્વારા બેવડું ધોરણ અપનાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરતી જનહિત અરજી હાઇ કોર્ટમાં કરવામાં આવી હતી.
સીપીસીબીની જોગવાઇઓને અમલમાં મૂકવા માટે કયા પગલાં લીધા? પીઓપી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવા માટે કયા ઉપાય કરવામાં આવ્યા? એવા સવાલ કરતા કોર્ટે સરકાર અને એમપીસીબીને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો.
દરિયા-નદીમાં ગણપતિની પીઓપીમાંથી પ્રતિમાઓ વિસર્જન કર્યા બાદ મોટા પ્રમાણમાં જળપ્રદૂષણ થતું હોય છે. તેને કારણે નૈસર્ગિક જળસ્રોતમાં વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચતું હોય છે. તેથી પીઓપીની મૂર્તિઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની માગણી સાથેની જનહિત અરજી થાણેના એક પર્યાવરણપ્રેમીએ કરી હતી.
આ પણ વાંચો : ગણેશમંડળોને મંડપ ઊભા કરવા ઓનલાઈન મંજૂરી મળશે
હાઇ કોર્ટ સમક્ષ આ પ્રકરણે થયેલી સુનાવણી દરમિયાન સીપીબીસીના ૧૨મી મે, ૨૦૨૦ રોજની માર્ગદર્શિકાને અમલમાં મૂકવા માટે શું પગલાં લેવાયા? પીઓપીની મૂર્તિ અને થર્મોકોલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે કઇ યોજનાઓ બનાવવામાં આવી? એવા સવાલ હાઇ કોર્ટે ઉઠાવ્યા હતા. અનેક રાજ્યમાં પીઓપી પર પ્રતિબંધ છે, જ્યારે મહારાષ્ટ્રમાં હજી પણ ૯૦ ટકા મૂર્તિ પીઓપીમાંથી બનાવવામાં આવતી હોવાનું અરજદારે કોર્ટને જણાવ્યું હતું