અમારા બાપ્પાની મૂર્તિનું વિસર્જન તો દરિયામાં જ ’ અમુક માધી ગણેશમંડળોએ જીદ પકડતા મામલો બીચકયો: સરકાર કોર્ટમાં જવાનો વિચાર કરી રહી હોવાનો સંકેત
![](/wp-content/uploads/2025/02/ganpati.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માધી ગણેશોત્સવ દરમ્યાન મંગળવારે મોટાભાગનાં મંંડળોએ તેમના ગણપતિબાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરી નાંખ્યું હતું. કાંદિવલી અને બોરીવલીના અમુક મંડળોએ કૃત્રિમ વિસર્જન સ્થળોએ મૂર્તિના વિસર્જન નહીં કરતા કુદરતી વિસર્જન સ્થળે જ મૂર્તિના વિસર્જન કરવાનો આગ્રહ રાખ્યો હતો. વિસર્જન માટે ભક્તાએે નાચતા-ગાતા સરઘસ તો કાઢ્યું પણ પાલિકા અને પોલીસે કુદરતી વિસર્જન સ્થળે વિસર્જન કરવાની મંજૂરી નહી આપતા કાંદિવલીના બે અને બોરીવલીના એક મંડળની ગણપતિબાપ્પાની મૂર્તિ ફરી મંડપમાં લાવીને ઢાંકી દેવામાં આવી છે અને ગણેશમંડળોે હવે આ મુદ્દે રાજ્ય સરકાર શું કરે છે તેની રાહ જોઈ રહ્યા છે.
માઘી ગણેશોત્સવના ગણપતિનું મંગળવારે અગિયારમાં દિવસે વિસર્જન હતું, પરંતુ કાંદિવલી અને બોરીવલીના અમુક ગણેશમંડળોએ તેમની ૨૦થી ૨૨ ફૂટની ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા તૈયાર નહોતા અને બાપ્પાનું અવમાન થાય કહીને પોતાની મૂર્તિઓનું વિસર્જન નહીં કરતા પાછા પોતાના મંડપમાં લઈ આવ્યા છે, જેમાં કાંદિવલી (પશ્ર્ચિમ)ના મહાવીર નગરના ‘કાંદિવલી ચા શ્રી’ મંડળનો પણ સમાવેશ થાય છે.
આ મંડળના ટ્રેઝરર સાગર બામનોલીકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરીને અમે બાપ્પાનું અપમાન કરવા માગતા નથી. અમારી મૂર્તિ પગથી માથા સુધીની ૧૫ ફૂટ અને નીચેના સ્ટેન્ડ સાથે તેની ઊંચાઈ ૨૬ ફૂટની છે. કૃત્રિમ તળાવમાં આટલી મોટી મૂર્તિનું વિસર્જન શક્ય નથી. અમે પણ છેલ્લા ૧૩ વર્ષોથી માઘીગણેશોત્સવ દરમ્યાન મૂર્તિનું માર્વેમાં જ વિસર્જન કરીએ છીએ અને અમે ત્યાં જ વિસર્જન કરવા માગીએ છીએ. ગણપતિની મૂર્તિ બેથી ત્રણ મહિના પહેલા બનાવવામાં આવે છે ત્યારે જ અમને પાલિકાએ અમને જાણ કરી હોત અમે પીઓપીની મૂર્તિ ન બનાવી હોત. છેલ્લી ઘડીએ તેઓ પીઓપીની મૂર્તિના વિસર્જન સામે વાંધો ઉઠાવીને અમને વિસર્જન કરતા રોકવામાં આવ્યા છે. અમારી મૂર્તિને મંગળવારે અમે સરઘસ કાઢીને વિસર્જન માટે લઈ ગયા હતા પણ અમને રોકવામાં આવતા અમારી મૂર્તિને અમે પાછી અમારા મંડપમાં લઈ આવ્યા છીએ. અમારી મૂર્તિનું વિસર્જન અમે દરિયામાં જ કરશું પછી ભલે ગમે તેટલી અમને રાહ જોવી પડે. અમારા મંડપમાં બોરીવલીના એક ગણેશમંડળની પણ મૂર્તિ રાખવામાં આવી છે, તેમને પણ કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરતા રોકવામાં આવ્યા હતા.
Also read: ગણેશમંડળોને મંડપ ઊભા કરવા ઓનલાઈન મંજૂરી મળશે
કાંદિવલીના ચારકોપના અન્ય મંડળની મૂર્તિનું પણ વિસર્જન કરવામાં આવ્યું નથી. મંડળે પોતાના બાપ્પાની મૂર્તિને મંડપમાં ઢાંકીને રાખી છે. ‘ચારકોપચા રાજા સાર્વજનિક માધી ગણેશોત્સવ મંડળ’ના પદાધિકારી અને ભૂતપૂર્વ નગરસેવિકા શુભદા ગુડેકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમે કોર્ટના આદેશનું અપમાન કરવા માગતા નથી. પરંતુ અમારી મૂર્તિનું વિસર્જન અમે કૃત્રિમ તળાવમાં કરીશું નહીં. અમારી મૂર્તિને અમે પાછી મંડપમાં રાખી છે અને રાજ્ય સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છે. સરકાર શું આદેશ આપે છે એ બાદ અમે આગળનાં પગલાં લઈશું.
આ દરમ્યાન પીઓપીની મૂર્તિના વિસર્જનના મુદ્દે થયેલા વિવાદ બાદ રાજ્ય સરકારે આ બાબતે ફરી સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય મંગળવારે લીધો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના પાલક પ્રધાન સહિત અનેક પ્રધાનોએ આ બાબતે મુખ્ય પ્રધાન દેેવેન્દ્ર ફડણવીસ સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે.
પ્રદૂષણ ટાળવા માટે પીઓપીની ગણેશમૂર્તિનું વિસર્જન કુદરતી જળસ્રોતમાં નહીં કરવા દેવાનો નિર્ણય પાલિકાએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લીધો છે. તેની સામે ગણેશમંડળોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.