પુઢચ્યા વર્ષી બાપ્પા લવકર નહીં મોડા આવશે: ગણેશોત્સવ 2026ની તારીખ જાણી લો…

મુંબઈ: આજે આખી મુંબઈ અશ્રુભીની આંખે, ભારે હૈયે, દસ દિવસ સુધી બાપ્પાની સેવા કર્યા બાદ વિદાય આપી રહી છે. ભક્તો અત્યારથી જ બાપ્પાને પુઢચ્યા વર્ષી લવકર યા (આવતા વર્ષે જલદી આવજો) કહી રહ્યા છે, પરંતુ આ સ્ટોરી વાંચ્યા બાદ કદાચ તેમને ધક્કો લાગી શકે છે કારણ કે આવતા વર્ષે બાપ્પા લવકર નહીં પણ મોડા મોડા પધારશે. જી હા, બાપ્પા આવતા વર્ષે પૂરા 18 દિવસ મોડા આવશે પોતાના ભક્તોને મળવા માટે. ચાલો જોઈએ ક્યારે આવશે આવતા વર્ષે બાપ્પા…
ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા એવું કહીને વિદાય આપતા હોય છે. બાપ્પાને વિદાય આપતા સમયે જ ભક્તો આવતા વર્ષે જલદી મળવાનું કહીને બાંધવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ વખતે તમે બાપ્પા ગમે એટલું જલદી પાછા આવવાનો આગ્રહ કરશો તો પણ બાપ્પા તમને દર્શન આપવા માટે રાહ જોવડાવવાના જ છે.
ક્યારે આવશે બાપ્પા 2026માં?
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ ગણેશોત્સવની શરૂઆત થઈ હતી અને આ વખતે બાપ્પા પૂરા 10 દિવસ પહેલા એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં જ ભક્તોને મળવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ આવતા વર્ષે આવું નહીં થાય. ભક્તોએ લડકા બાપ્પાના આગમન માટે 18 દિવસ વધુ રાહ જોવી પડી શકે છે.
મળતી માહિતી મુજબ આવતા વર્ષે એટલે કે 2026માં ગણેશચતુર્થી 14મી સપ્ટેમ્બર સોમવારના આવી રહી છે, જ્યારે વિસર્જન એટલે કે અનંત ચતુર્દશી 25મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. એટલે ભક્તોને 18 દિવસ વધુ રાહ જોવી પડી શકે છે લડકા બાપ્પાને પોતાના ઘરે આવકારવા માટે.
શું છે પૂજા મુહૂર્ત?
વાત કરીએ આવતા વર્ષના પૂજા મુહૂર્તની તો 14મી સપ્ટેમ્બરના 04.36 વાગ્યાથી ચતુર્થીનો પ્રારંભ થશે અને બીજા દિવસે એટલે કે 15મી સપ્ટેમ્બરના સવારે 05.14 વાગ્યા સુધી રહેશે. ગણેશપૂજા મુહૂર્તની વાત કરીએ તો તે 14મી સપ્ટેમ્બરના બપોરે 11.55 વાગ્યાથી 02.55 વાગ્યા સુધી રહેશે.
2026થી 2031માં ક્યારે ક્યારે છે ગણેશ ચતુર્થી?
અગાઉ જણાવ્યું એમ 2026માં 14મી સપ્ટેમ્બરના ગણેશોત્સવનો પ્રારંભ થશે ત્યાર બાત 2027માં 3જી સપ્ટેમ્બરના, 2028માં 23મી ઓગસ્ટ, 2029માં 11મી સપ્ટેમ્બર, 2030માં પહેલી સપ્ટેમ્બર અને 2031માં 20મી સપ્ટેમ્બરના ગણેશ ચતુર્થી આવી રહી છે. ટૂંકમાં ક્યારેક બાપ્પા ભક્તોને મળવા વહેલાં તો ક્યારેક બાપ્પા ભક્તોને તેમના દર્શન માટે રાહ જોવડાવશે ખરા…