ગડકરી નારાજ? પાંચ દિવસમાં બીજી વખત મોદી નાગપુરમાં
મુંબઈ: લોકસભાની ચૂંટણીના દેશમાં ભણકારા વાગવા લાગ્યા છે. તાજેતરમાં જ ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી જેમાંથી મહારાષ્ટ્રને બાકાત રાખવામાં આવ્યું હતું. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નામ હતા, પણ હાઇવે ખાતાના દિગ્ગજ પ્રધાન નીતિન ગડકરીનું નામ ન હોવાથી રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો વહેતી થઇ હતી. મોદી પાંચ દિવસ પહેલા જ યવતમાળમાં અમુક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે સોમવારે પણ તેઓ નાગપુરમાં આવ્યા હતા અને ગડકરીને મળ્યા હતા. તેમની વચ્ચે શું ચર્ચા થઇ એ અંગે વિવિધ અટકળો વહેતી થઇ છે.
યવતમાળમાં મોદી આવ્યા ત્યારે સૌથી પહેલા તેઓ નાગપુર આવ્યા હતા અને સોમવારે પણ તેઓ સૌથી પહેલા નાગપુર આવ્યા હતા અને ત્યાંથી તેલંગણા જવા રવાના થયા હતા. નાગપુર એરપોર્ટ પરના ચુસ્ત બંદોબસ્તને કારણે મોદી નાગપુર આવવાના છે એ પહેલાથી ખબર હતી. નાગપુરમાં મોદી આવ્યા ત્યારે ગડકરીએ તેમનું સ્વાગત કર્યું હતું. તે નિમિત્તે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. ગડકરી અને મોદી વચ્ચે શું ચર્ચા થઇ એ અંગે રાજકીય વર્તુળોમાં અટક્ળો વહેતી થઇ છે, પણ શું વાત થઇ એ જાણી શકાયું નથી. પહેલી યાદીમાં ગડકરીનું નામ ન હોવાને કારણે તેઓ નારાજ છે અને મોદી તેમની સમજણ કાઢવા આવ્યા હોય એવું સૂત્રોએ જણાવ્યું હતું. હવે ગડકરી માટે ભાજપની નેતાગીરી શું નિર્ણય લે તે જોવાનું રહ્યું.