શું ભાજપ સરકાર કોંગ્રેસના પ્રવક્તાની ન્યાયાધીશ તરીકે ભલામણ કરશે: ગાડગીળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસના નેતા અનંત ગાડગીળે એવો સવાલ કર્યો હતો કે શું ભાજપ સરકાર ક્યારેય તેમના (કોંગ્રેસ) પક્ષના પ્રવક્તાને હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરશે?
સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા વકીલ અને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા આરતી સાઠેને બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂંક માટેની ભલામણ કરવામાં આવી હોવાના અહેવાલો સાથે તાજેતરમાં ફાટી નીકળેલા વિવાદ પર તેઓ બોલી રહ્યા હતા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એવી સ્પષ્ટતા કરી છે કે તેમણે (આરતી સાઠેએ) 2023માં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસના કેટલાક પ્રવક્તા પ્રખ્યાત વકીલો છે, એમ ગાડગીળે એક નિવેદનમાં જણાવ્યું હતું. ‘શું ભાજપ સરકાર કોંગ્રેસના પ્રવક્તાને ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરશે?’ એવો સવાલ તેમણે કર્યો હતો. અન્ના મેથ્યુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ અને કૃષ્ણમૂર્તિ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા જેવા સીમાચિહ્નરૂપ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકતા, ગાડગીળે નોંધ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ફક્ત રાજકીય પૃષ્ઠભૂમિને જ ન્યાયિક પદ માટે ભલામણ કરવામાં આવેલા ઉમેદવારને ગેરલાયક ઠેરવવા યોગ્ય કારણ ગણી શકાય નહીં, પરંતુ પક્ષના ભૂતપૂર્વ પ્રવક્તાની નિમણૂંક કરવાના નૈતિક પરિણામો ખૂબ જ ચિંતાજનક છે.
આ પણ વાંચો: કેટલા અમીર છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત 33 જજ, શેર, સોનું સહિત તમામ વિગતો જાહેર…
ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ આવી ભલામણો કરી હોવાના ભાજપના આક્ષેપોનો જવાબ આપતાં ગાડગીળે કહ્યું હતું કે કોઈ પણ કોંગ્રેસ સરકારે ક્યારેય ન્યાયિક પદ માટે પોતાના પક્ષના પ્રવક્તાની ભલામણ કરી નથી. તેમણે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશવા માગતા નિવૃત્ત લશ્કરી અને સિવિલ સર્વિસ અધિકારીઓને ‘કૂલિંગ-ઓફ’ સમયગાળો લાગુ કરવામાં વિરોધાભાસ તરફ પણ ધ્યાન દોર્યું, તાજેતરમાં નિવૃત્ત ન્યાયાધીશોને સંસદીય પદો પર નિયુક્ત કરવાની સરકારે મંજૂરી આપી હતી.
‘જ્યારથી નરેન્દ્ર મોદી સરકારે કોઈ પણ કૂલિંગ-ઓફ સમયગાળા વિના સંસદમાં નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂંક કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી સામાન્ય નાગરિકોમાં અસ્વસ્થતાની લાગણી વધી રહી છે,’ એવો દાવો તેમણે કર્યો હતો. ગાડગીળે એ બાબત પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે શું તે સ્વીકાર્ય છે કે જે વ્યક્તિ રાજકીય પક્ષનો ચહેરો રહ્યો છે તે ન્યાયતંત્રનો ચહેરો બની જાય છે.
‘શું તે નૈતિક રીતે યોગ્ય છે કે જે વ્યક્તિ રાજકીય પક્ષનો ચહેરો રહ્યો છે તે ન્યાયતંત્રનો ચહેરો બની શકે?’ એમ તેમણે પૂછ્યું હતું.