આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભાની ચૂંટણી માટે પ્લેન અને હેલિકૉપ્ટર્સની બુકિંગ ફૂલ

બૂકિંગ ફૂલ સાથે ભાવમાં પણ વધારો

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચારનું રણશિંગું ફૂંકયું છે. લોકસભા ચૂંટણી અંગે દરેક રાજકીય પાર્ટીઓનું ધ્યાન મહારાષ્ટ્ર પર છે. મહારાષ્ટ્રમાં શહેર સાથે ગામમાં પણ પક્ષના નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે જનસભા કરે છે. રાજયના શહેરી ભાગથી ગ્રામીણ ભાગમાં ચૂંટણી પ્રચારમાં જવા માટે નાના આકારના પ્રાઈવેટ પ્લેન અને હેલિકૉપ્ટરની માગણીમાં મોટો વધારો આવ્યો છે. પ્રાઈવેટ પ્લેન અને હેલિકૉપ્ટરની માગણીમાં વધારા સાથે તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

રાજકીય પક્ષના મોટા નેતાઓ ઉમેદવારના લોકસભા ચૂંટણી પ્રચાર માટે જનસભામાં આવતા હોય છે, જોકે અનેક ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવા માટે કોઈ સાધન ન હોવાથી ગામની નજીકના શહેરમાં આવીને આ નેતાઓ પ્રાઈવેટ પ્લેન કે હેલિકૉપ્ટરથી કાર્યક્રમના સ્થળે પહોંચે છે. એક અહેવાલ મુજબ આ વાહનોની માગણી વધવાને લીધે તેના ભાવમાં પણ મોટો વધારો આવ્યો છે. ગઢચિરોલી જેવા વિસ્તારમાં કોઈપણ હુમલાના ભયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સને પાંચ દિવસ સુધી ભાડે લેવામાં આવી હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.

ચૂંટણી પ્રચારમાં અનેક મોટા નેતાઓની સાથે સેલેબ્રિટીઝને પણ એક દિવસમાં અનેક કાર્યક્રમમાં હાજર રહેવું પડે છે. આ કાર્યક્રમમાં જલદીથી પહોંચવા માટે પ્લેન અને હેલિકૉપ્ટર સૌથી ઝડપી વાહન છે, જેથી ખાનગી કંપની પાસેથી મોટી સંખ્યામાં નાના આકારના પ્રાઈવેટ પ્લેન અને હેલિકૉપ્ટર ભાડા પર લેવામાં આવી રહ્યા છે. તેમ જ અનેક રાજકીય પક્ષોએ તો પ્લેન અને હેલિકૉપ્ટરની એડ્વાન્સ બૂકિંગ પણ કરી દીધી છે.

ચૂંટણી પહેલાના સમયમાં પ્લેન કરતાં હેલિકૉપ્ટરની માગણીમાં વધારો આવ્યો છે. કારણકે પ્લેનને લેંડિંગ કરાવવા માટે રનવેની જરૂર હોય છે, પણ હેલિકૉપ્ટર દુર્ગમ ભાગમાં પણ સહેલાઈથી લેંડિંગ કરી શકે છે. હાલના સમયમાં મોટા ભાગની ખાનગી કંપનીમાં પ્રાઈવેટ પ્લેન અને હેલિકૉપ્ટરની બૂકિંગ ફૂલ થઈ ગઈ છે. બૂકિંગ ફૂલ થવાની સાથે પ્રાઈવેટ પ્લેન અને હેલિકૉપ્ટરની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. પાંચ સીટર હેલિકૉપ્ટર માટે એક કલાકનું છ લાખ રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે અને ત્રણ કલાક માટે 18 લાખ રૂપિયા ચૂકવવામાં પડે છે અને તેમાં પણ જીએસટી અલગથી ચૂકવતા એક પ્રચાર સભા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, એવું માની શકાય.

આ સાથે ગઢચિરોલીમાં ચૂંટણી માટે રાજ્ય સરકારે પાંચ દિવસ માટે એર એમ્બ્યુલન્સ બૂક કરાવી છે. ગઢચિરોલીમાં લગભગ 428 જેટલા મતદાન કેન્દ્રો છે, જેથી નક્સલવાદીઓ અને માઓવાદીઓ હુમલો કરે તેવી શક્યતા છે, જેથી આવી પરિસ્થિતી દરમિયાન જાનહાનિ રોકવા માટે અને જલદીથી સેવા પહોંચાડવા માટે 17થી 21 એપ્રિલ સુધી એક ખાનગી કંપની પાસેથી એર એમ્બ્યુલન્સ ભાડા પર લેવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button