આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ

ચાર રાજ્યોના પરિણામોની ફળશ્રુતિ: મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે

ઈન્ડિયા આઘાડીમાં કૉંગ્રેસનું વજન ઘટશે

વિપુલ વૈદ્ય
મુંબઈ: ચાર રાજ્યોના પરિણામો આવ્યા તેની મહારાષ્ટ્ર પર કેવી અસર થશે એની ચર્ચા રવિવારે આખો દિવસ રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી. એક વાક્યમાં કહેવું હોય તો આ પરિણામો ભાજપ અને એનસીપી (શરદ પવાર જૂથ) માટે અત્યંત પ્રોત્સાહક છે, કેમ કે હવે આગામી લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં બંને પક્ષનો બાર્ગેનિંગ પાવર વધી જશે.

ચાર રાજ્યોના પરિણામો રવિવારે જાહેર થયા તેમાં ત્રણ રાજ્યોમાં (હિન્દી બેલ્ટમાં) ભાજપનો ભવ્ય વિજય થયો છે અને એકલે હાથે ભાજપ સરકાર ગઠન કરી શકે એવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ કૉંગ્રેસ ફક્ત તેલંગણામાં બહુમતનો આંકડો પાર કરી શક્યું છે. અન્ય રાજ્યોના પરિણામોની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર થવાની શક્યતા છે અને આવતા વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે તેમાં આ પરિણામોની કેટલી અસર થશે તેના પર રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીની લડાઈ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એક્ઝિટ પોલ નિષ્ફળ થયા છે. છત્તીસગઢનું પરિણામ પણ અનપેક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે. ચારેય રાજ્યમાં મોદી બ્રાન્ડનો પ્રભાવ જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભાજપની સ્થિતિ ગુંચવાયેલી હતી. હવે તેમના આત્મવિશ્ર્વાસને નવું જોમ મળશે. આગામી ચૂંટણીઓમાં ભાજપ વધુ જગ્યા પર પોતાનો દાવો માંડી શકશે. તેમ જ મરાઠા આંદોલનના મુદ્દા પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો જે પ્રભાવ વધ્યો હતો, પરંતુ અત્યારે પણ દેશમાં ભાજપની લહેર છે એવી લાગણી તેમનામાં ફરી જન્મી શકે છે અને મરાઠા આરક્ષણના મુદ્દાને કારણે જે સેટ-બેક આવ્યો હતો તે દૂર થશે એવી શક્યતા એક રાજકીય વિશ્ર્લેશકે વ્યક્ત કરી હતી.

ચૂંટણીના પરિણામોને કારણે ભાજપનો જુસ્સો વધશે અને આગામી ચૂંટણીમાં ભાજપ વધુમાં વધુ બેઠકો પર પોતાનો દાવો માંડશે. આવી જ રીતે આગામી દિવસોમાં ભાજપ વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. બેઠકોની વહેંચણીમાં ભાજપનો બાર્ગેનિંગ પાવર વધશે. એકનાથ શિંદે અને અજિત પવારને હવે ભાજપની સામે નમતું જોખવાની ફરજ પડશે, એવું તેમણે જણાવ્યું હતું.

ચાર રાજ્યના ચૂંટણી પ્રચારમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રચારસભા સંબોધી હતી અને તેનો રાજકીય લાભ તેમને મળશે. આવી જ રીતે કેન્દ્રીય નેતૃત્વનો તેમના પરનો વિશ્ર્વાસ વધશે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી જે રીતે દેવેન્દ્ર ફડણવીસ સાવચેતીનું વલણ અપનાવી રહ્યા હતા, ખાસ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારના સરકારમાં સમાવેશ બાદ તે સ્થિતિમાં ફરક જોવા મળશે. ફડણવીસમાં નવી ઊર્જા જોવા મળી શકે છે અને એકનાથ શિંદેએ ભાજપની વાત સાંભળવી પડે તેવું ચિત્ર આગામી દિવસોમાં જોવા મળી શકે છે, એમ અન્ય એક રાજકીય વિશ્ર્લેશકે કહ્યું હતું.

ચાર રાજ્યના પરિણામોની કોઈ અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે નહીં એમ જણાવતાં અન્ય એક રાજકીય નિરીક્ષકે કહ્યું હતું કે કાર્યકર્તા અને નેતામાં આને કારણે ચોક્કસ જોશ જોવા મળી શકે છે, પરંતુ તેનાથી વધુ આની કોઈ અસર જોવા મળશે નહીં. દરેક રાજ્યની સ્થિતિ અને સમીકરણો અલગ અલગ હોય છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના વિજયમાં મોદી બ્રાન્ડનું યોગદાન ચોક્કસ માન્ય રાખવું પડશે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા જળવાઈ રહી છે. આમાં કશું નવું નથી. જોકે ભાજપ ચોક્કસ આ પરિણામોનો ઉપયોગ પોતાનો હાથ ઉપર રાખવા માટે કરશે.

ઈન્ડિયા ગઠબંધન પર આ પરિણામોની અસર પર વાત કરવામાં આવે તો ભલે એનસીપી સુપ્રીમો શરદ પવારે આ પરિણામોની કોઈ અસર નહીં થાય એવું કહ્યું હોય, પરંતુ આ પરિણામો બાદ હવે એનસીપીને ફાયદો થશે. ઈન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસનું વજન ઘટતું જોવા મળશે. તેલંગણામાં વિજયને કારણે તેઓ નેતૃત્વ જાળવી શકશે, પરંતુ તેમની બાર્ગેનિંગ ક્ષમતામાં ઘટાડો થશે અને રાજ્યમાં તેનો સીધો ફાયદો એનસીપીને થશે. સામે પક્ષે ભાજપનું વજન વધતાં અજિત પવારનું વજન ઘટશે અને તેનું પણ આડકતરું ફળ શરદ પવારને મળશે. તેઓ હવે રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધનના નિર્ણયો પર પોતાની છાપ છોડતા જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning