આમચી મુંબઈ

આજથી શિયાળુ અધિવેશન કમોસમી વરસાદ, મરાઠા આરક્ષણ, વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દાઓ ગાજશે

વિરોધ પક્ષોનો ટી-પાર્ટીનો બહિષ્કાર

નાગપુર: સરકાર ખેડૂતોની સમસ્યા, તોફાનો અને કેફી દ્રવ્યોની ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવામાં નિષ્ફળ રહી છે, એવો આક્ષેપ કરી મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત પૂર્વે આયોજિત કરવામાં આવતી પરંપરાગત ટી-પાર્ટીનો વિરોધ પક્ષોએ બુધવારે બહિષ્કાર કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્યૂરોના ડેટાને ટાંકી જણાવ્યું હતું કે ‘ટી-પાર્ટી માટે અમને રાજ્ય સરકારનું નિમંત્રણ મળ્યું હતું પણ એમાં હાજરી આપવી અમને યોગ્ય ન લાગતા એનો બહિષ્કાર કરવાનો નિર્ણય અમે લીધો છે.’

પરંપરા અનુસાર શિયાળુ અધિવેશન દર વર્ષે મહારાષ્ટ્રના બીજા પાટનગર નાગપુરમાં યોજાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ની માહિતીનો ઉલ્લેખ કરી વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે ’કૃષિ સમસ્યા અને દેવું થવાને કારણે મહારાષ્ટ્રમાં ૨૨૪૭૬ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકાર મહારાષ્ટ્રમાં કૃષિ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. એ સિવાય રાજ્યમાં કેફી દ્રવ્યોની હેરફેર પર પણ કોઈ અંકુશ નથી. એનસીઆરબીની માહિતીમાં ૨૦૨૨માં રાજ્યમાં ૮૨૧૮ કેસ તોફાનના થયા હોવાની પણ ઉલ્લેખ છે. (પીટીઆઈ)

૧૨મી ડિસેમ્બરે વિપક્ષોની નાગપુરમાં જાહેરસભા
નાગપુર: રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની યુવા સંઘર્ષ યાત્રાના ૧૨ ડિસેમ્બરના અંતિમ દિવસે એનસીપીના સ્થાપક શરદ પવાર, શિવસેના (યુટીબી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ જાહેર સભાને સંબોધન કરશે એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખે બુધવારે જણાવ્યું હતું. એનસીપીના શરદ પવાર જૂથના નેતા દેશમુખે જણાવ્યા અનુસાર આ ત્રણ નેતા નાગપુરના ઝીરો માઈલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરશે.

કર્જત જામખેડ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એનસીપીના વિધાનસભ્ય રોહિત પવારના નેતૃત્વ હેઠળની યુવા સંઘર્ષ યાત્રાનો પ્રારંભ પુણે ખાતે ૨૪ ઓક્ટોબરે થયો હતો. આ યાત્રામાં મહારાષ્ટ્રમાં યુવાનોને સહન કરવી પડતી સમસ્યાઓ સહિત વિવિધ મુદ્દા પર ભાર આપવામાં આવ્યો હતો. પદયાત્રા નાગપુરથી ૧૨૦ કિલોમીટર દૂર હોવાનું રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું. (પીટીઆઈ)

અધિવેશન દરમિયાન અપાત્રતાની સુનાવણી મુશ્કેલ: નાર્વેકર
મુંબઈ: રાજ્યના વિધાનસભાના શિયાળુ સત્ર ૭મી ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થઇ રહ્યું છે. એ પાર્શ્ર્વભૂમિ પર રાજ્યમાં વિવિધ પ્રશ્ર્ને ચર્ચા થવાની છે. મરાઠા આરક્ષણ, કમોસમી વરસાદ સહિત રાજ્યમાં વિવિધ મુદ્દા અધિવેશન સમક્ષ મૂકવામાં આવશે. બાવીસમી ડિસેમ્બર સુધી આ અધિવેશન ચાલવાનું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શિવસેનાના વિધાનસભ્ય અપાત્રતાનો નિર્ણય પણ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ૩૧મી ડિસેમ્બર સુધી આપવાનો છે. આને કારણે અધિવેશનના સમયમાં વિધાનસભ્ય અપાત્ર પ્રકરણે સુનાવણી થશે કે નહીં તેના પર રાહુલ નાર્વેકરે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બંધારણની જોગવાઈ અનુસાર જ સભાગૃહનું કામકાજ હાથ ધરવામાં આવશે અને કાર્યવાહી પણ એ મુજબ જ થશે. દરમિયાન દાદરના ચૈત્યભૂમિ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરને અભિવાદન આપવા માટે તેઓ ગયા

હતા. રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે સભાગૃહનું કામકાજ કે પછી દેશ-રાજ્યમાં શાસન ચલાવવાનું કામ ડો. બાબાસાહેબના બંધારણના આધાર પર જ ચાલે છે. બુધવારના પાવન દિવસે હું મહારાષ્ટ્રની જનતાને આશ્ર્વાસિત કરવા ઇચ્છું કે બંધારણના આપવામાં આવેલા નિયમ અને જોગવાઈ અનુસાર જ શિયાળુ અધિવેશનનું કામકાજ ચાલશે. બંધારણની જોગવાઈ અને નિયમને ક્યાંય પણ પાયમાલ થવા નહીં દઉં. નિયમ અનુસાર સભાગૃહ ચલાવવામાં આવશે. તમામ વિધાનસભ્યો પણ બંધારણની શપથ લઇને સભાગૃહમાં કામ કરે છે.

શિવસેનાના ૧૬ વિધાનસભ્ય અપાત્રતના સંદર્ભનો નિર્ણય લેવાનો પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટે પણ ૩૧મી ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરી છે. મારો પણ આ જ પ્રયાસ રહેશે. અધિવેશન સમયમાં આ અપાત્રતાની અરજી પર સુનાવણી હાથ ધરીને જલદીમાં જલદી નિર્ણય લેવામાં આવશે. આ પ્રકરણે સતત મેરેથોન સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે પણ બંધારણ મુજબ જોગવાઈ અનુસાર કાર્યવાહી થશે, એવું રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું.

આરોગ્ય સેવા ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે: સંજય રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રની આરોગ્ય સેવા પર ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આક્રમક વલણ અપનાવ્યું છે. એકનાથ શિંદે સરકારને કડક ભાષામાં પત્ર લખીને તેમણે આરોપોની ઝડી વરસાવી હતી. નિયમબાહ્ય પ્રમોશન અને બદલીઓ એ આરોગ્ય વિભાગમાં ચિંતાનો વિષય બની ગયો છે, એવું તેમણે જણાવ્યું હતું. આ માટે તાનાજી સાવંત જવાબદાર છે, એવો આરોપ તેમણે મૂક્યો હતો.
મહારાષ્ટ્રની આરોગ્ય સેવાના હાલ બેહાલ થઇ ગયા છે. એક સમયે આપણી આરોગ્ય સેવા સંપૂર્ણ દેશમાં અવ્વલ નંબરે હતી. આરોગ્ય અધિકારીઓને આજના સમયે તેમના ઉપરીઓને ખંડણી આપવી પડી રહી છે, એવો પણ આરોપ તેમણે મૂક્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ ૧૨૦૦ તબીબી અધિકારીઓનો સમાવેશ કરવા માટે પ્રત્યેકના ચાર લાખ રૂપિયા મુજબ કુલ રૂ. ૫૦ કરોડ જમા કરવામાં આવ્યા છે. એ રકમ સંબંધિત પ્રધાન સુધી પહોંચાડવામાં
આવ્યા છે. એ વસૂલી માટે એક ખાસ ઓએસડીની નિમણૂક પણ કરવામાં આવી છે.

મહાત્મા જ્યોતિરાવ ફુલે યોજનાને અમલમાં લાવવા માટે ખાનગી હોસ્પિટલો તરફથી દરેક બેડના એક લાખ રૂપિયા આપવા પડે છે. આનો અર્થ એ થયો કે આ યોજનામાં બોગસ લાભાર્થીની સંખ્યા વધી ગઇ છે અને ખોટાં બિલો, ખોટા દર્દીઓ ઊભા કરીને કરોડો રૂપિયા સંબંધિત પ્રધાનોને પહોંચાડવામાં આવી રહ્યા છે.

આરોગ્ય ખાતું જનતા માટે અત્યંત મહત્ત્વનું છે. આ ખાતાનાં બંને ડિરેક્ટર પદો ખાલી રાખવામાં આવ્યાં હોઇ તેનો લિલામી પદ્ધતિથી સોદો કરવાની પ્રધાનની યોજના છે. આરોગ્ય ખાતું ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. ૩૪ પૈકી ૧૨ જુનિયર અધિકારીની ગેરકાયદે રીતે સિવિલ સર્જન પદે નિમણૂક કરવામાં આવી. આમાં મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયો હોવાનો આરોપ રાઉતે મૂક્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્ર લોકસેવા પંચ મારફત ૧૪ સબ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, જે ગેરકાયદે રીતે કરાઇ હોવાનો આરોપ પણ રાઉતે કર્યો હતો.

વિધાનભવનમાં કાર્યાલય માટે એનસીપીના બે જૂથોમાં હુંસાતુંસી
નાગપુર: શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખે બુધવારે જણાવ્યું હતું કે નાગપુરમાં રાજ્ય વિધાનસભા, વિધાનભવનમાં એનસીપી કાર્યાલય તેમના જૂથનું છે, અજિત પવારના નેતૃત્વવાળા જૂથનું નથી. અહીં મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની પૂર્વસંધ્યાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાને અજિત પવાર જૂથ પર પણ નિશાન સાધતા કહ્યું કે જેઓએ એનસીપી છોડી દીધી છે તેઓએ વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરવી જોઈએ કે તેઓ તેમના માટે વિધાન ભવનમાં અલગ કાર્યાલયની વ્યવસ્થા કરે.

શિયાળુ સત્ર ૭ થી ૨૦ ડિસેમ્બરની વચ્ચે યોજાનાર છે. મહારાષ્ટ્રમાં અજિત પવાર અને પક્ષના આઠ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની સરકારમાં જોડાયા પછી બીજી જુલાઈએ એનસીપીનું વિભાજન થયું. ત્યારથી એનસીપીના બંને જૂથોએ પક્ષના નામ અને પ્રતીક પર દાવો કર્યો છે અને બીજી તરફ વફાદારી ધરાવતા લોકોને ગેરલાયક ઠેરવવા માટે સ્પીકરને અરજી કરી છે. અજિત પવારની આગેવાની હેઠળના જૂથના નેતા ધર્મરાવ બાબા આત્રામે દાવો કર્યો હતો કે કાર્યાલય તેમની પાસે છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો