આમચી મુંબઈ

પહેલી જુલાઈથી કચરો ઉપાડવાનું સુધરાઈના કર્મચારીઓ બંધ કરશે!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કચરો ભેગો કરીને તેને લઈ જવા માટે કૉન્ટ્રેક્ટરો પાસેથી વાહનો અને સેવા લેવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે લીધો હોઈ તેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, તેની વિરુદ્ધમાં તમામ કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. જો પ્રશાસને આ કૉન્ટ્રેક્ટ રદ નહીં કર્યો તો પહેલી જુલાઈથી રસ્તા પરથી કચરો ઉપાડવાનું બંધ કરીને આંદોલન કરવાની ચીમકી યુનિયને આપી છે. જો પહેલી જુલાઈથી સફાઈ કર્મચારીઓ આંદોલન પર ઊતરી જાય છે તો બરોબર ચોમાસાના સમયમાં મુંબઈના રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી શકે છે.

પાલિકાએ કચરાની ગાડીઓ માટે નવો કૉન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય લીધો છે, જેમાં ઘર ઘરથી કચરો ભેગો કરવા માટેનો કૉન્ટ્રેક્ટર પણ આપવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. અત્યાર સુધી કચરો ભેગો કરવાનું કામ અમુક ઠેકાણ પાલિકાના વાહનો અને પાલિકાના કર્મચારીઓ કરી રહ્યા છે. અમુક ઠેકાણે કૉન્ટ્રેક્ટરોના વાહનો અને પાલિકાના મોટર લોડર એવી પદ્ધતિ ચાલી રહી છે પણ પાલિકા પ્રશાસને હવે મુંબઈના પચીસ વોર્ડમાંથી બાવીસ વોર્ડમાં કૉન્ટ્રેક્ટરના વાહનોની સાથે જ તેમની પાસેથી મનુષ્ળબળની સેવા લેવા માટે કૉન્ટ્રેક્ટ આપ્યો છે.

પ્રશાસનના આ નિર્ણય સામે પાલિકાના કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. યુનિયનના વિરોધને નહીં ગણકારતા પ્રશાસને ટેન્ડર બહાર પાડ્યા છે. સાત વર્ષના કૉન્ટ્રેક્ટ માટે ૪,૧૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ ટેન્ડર પ્રક્રિયા સામે તમામ કર્મચારી યુનિયને વિરોધ નોંધાવ્યો છે અને તેની વિરોધમાં ગયા અઠવાડિયે દાદરમાં કર્મચારીઓની બેઠક લીધી હતી. એ બાદ મંગળવારે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ૨૩ જૂનથી વોર્ડ સ્તરે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.

તે મુજબ સોમવારે પાલિકાની ભાયખલા ઓફિસમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રશાસને આ ટેન્ડર રદ નહીં કર્યા તો પહેલી જુલાઈથી આંદોનલ કરવાની ચીમકી યુનિયને આપી છે. તેથી ભરચોમાસામાં રસ્તા પર કચરો ઉપાડયા વગર પડી રહેવાની શકયતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button