આમચી મુંબઈ

શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે છેતરપિંડી: બે પકડાયા

થાણે: શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈના રહેવાસી પાસેથી 45 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

નવી મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ નીલેશ અરુણ કિંગાવલે (30) અને સંજય રામભાઉ પાટીલ (48) તરીકે થઈ હતી. કામોઠે પરિસરમાં રહેતા બન્ને આરોપીએ પાંચમી ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ દરમિયાન ફરિયાદી પાસેથી કથિત રીતે રૂપિયા પડાવ્યા હતા.

શૅર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં સપડાયેલા ફરિયાદીએ આરોપીએ જણાવેલાં વિવિધ બૅન્ક એકાઉન્ટમાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં ફરિયાદીને કોઈ વળતર મળ્યું નહોતું. આરોપીએ ઉડાઉ જવાબ આપતાં ફરિયાદીને શંકા ગઈ હતી. ફરિયાદીએ 7 માર્ચે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.

મળેલી માહિતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે બન્ને આરોપીને નવી મુંબઈથી પકડી પાડ્યા હતા. આરોપી પાટીલ પાસેથી અનેક ચેકબુક્સ, ડેબિટ કાર્ડ્સ, ચાર મોબાઈલ ફોન અને 10 સિમ કાર્ડ હસ્તગત કરવામાં આવ્યાં હતાં. પકડાયેલા બન્ને આરોપી 10 જેટલા સાયબર ગુનામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલાં અમુક બૅન્ક એકાઉન્ટમાં 18.51 લાખ રૂપિયા સીઝ કર્યા હતા. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button