પુણેની મેડિકલ કોલેજમાં એડમિશનને બહાને 81 લાખની ઠગાઇ: મુખ્ય આરોપીની ધરપકડ…
મુંબઈ: પુણેની બી.જે. મેડિકલ કોલેજમાં એમડીના કોર્સ માટે પુત્રને એડમિશન અપાવવાને બહાને મુંબઈના રહેવાસી સાથે 81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે બોરીવલી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની ઓળખ અનિલ રામચંદ્ર તાંબટ તરીકે થઇ હતી. મુંબઈ પોલીસની ટીમે આ કેસની 10 મહિના લાંબી તપાસ બાદ રવિવારે અનિલ તાંબટને છત્રપતિ સંભાજીનગરથી પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર તાંબટ અને તેના સાથીદાર સંદીપ વાઘમારે, અભિજીત પાટીલ તથા ભૂષણ પાટીલ પર કાંદિવલીના રહેવાસી સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
કાંદિવલીમાં રહેતો મંગેશ અનંત રાણે મેડિકલ અને સર્જિકલ સપ્લાયનો વ્યવસાય ધરાવે છે. એમડી પ્રોગ્રામમાં 2019માં એમબીબીએસ પૂરું કરનારા પોતાના પુત્રના એડમિશન માટે રાણે પ્રયાસ કરી રહ્યો હતો. જોકે એમડી કોર્સ માટે તેના પુત્રને એડમિશન મળ્યું નહોતું.
રાણે બાદમાં વાઘમારેના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેનો પરિચય અભિજીત પાટીલ તાંબટ અને ભૂષણ પાટીલ સાથે કરાવ્યો હતો. તેમણે રાણેને ખાતરી આપી હતી કે તેના પુત્રને સરકારી ક્વોટા મારફત સીટ મળી જશે. તેમના સૂચનથી રાણેના પુત્રએ એનઇઇટી પીજી (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રેજ્યુએટ) પરીક્ષા માટે ફરી અરજી કરી હતી.
ત્રણ દિવસ બાદ રાણેને ઇ-મેઇલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના પુત્રને પુણે સ્થિત બી.જે. મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું છે. આ મેઇલ કોલેજનો હોવાનું માની રાણેએ તેના પુત્રના સર્ટિફિકેટ્સ સહિતના જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા હતા.
રાણેએ ત્યાર બાદ તાંબટને 94 લાખ રૂપિયા, અભિજીત પાટીલને 8.5 લાખ રૂપિયા, વાઘમારેને 23 લાખ રૂપિયા તેમ જ ભૂષણ પાટીલને 11 લાખ રૂપિયા આપ્યા હતા. આમ રાણેએ કુલ 1.36 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પૈસા મળ્યા બાદ ચારેય જણે કોલેજનું આઇડી કાર્ડ સહિતના દસ્તાવેજો રાણેને મોકલ્યા હતા અને દાવો કર્યો હતો કે તેના પુત્રને કોલેજમાં એડમિશન મળી ગયું છે. જોકે રાણેને બાદમાં જાણવા મળ્યું હતું કે આઇડી કાર્ડ અને દસ્તાવેજો બોગસ છે. રાણેએ પોતાના પૈસા પાછા માગ્યા ત્યારે તેમણે તેને 55 લાખ રૂપિયા પાછા કર્યા હતા, જ્યારે બાકીના 81 લાખ રૂપિયા તેમણે આપ્યા નહોતા. ઉપરાંત જો પોલીસનો સંપર્ક કરશે તો પુત્રનું અપહરણ કરીને તેને મારી નાખવાની રાણેને તેમણે ધમકી આપી હતી. (પીટીઆઇ)