
મુંબઈ: રેલવેમાં નોકરી અપાવવાને બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઇ ગયેલા આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ચિપલુણથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુમિત સુરેશ આદવડે (34) તરીકે થઇ હોઇ તેની સામે દાદર રેલવે અને આરએકે માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે. આરોપીને વધુ તપાસ માટે કાંદિવલી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અમુજબ આ કેસના ફરિયાદીને રેલવેમાં નોકરી અપાવવાનું કહીંને આરોપીએ તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. આરોપીએ સપ્ટેમ્બર, 2019થી ડિસેમ્બર, 2019 દરમિયાન રેલવેમાં નોકરીને બહાને ફરિયાદી, તેની બહેન શ્ર્વેતા, શીતલ અને મિત્ર જયેશ પાસેથી 6.42 લાખ રૂપિયા પડાવ્યા હતા. આથી આરોપી વિરુદ્ધ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-11ના કોન્સ્ટેબલ પ્રવીણ સાવંતને માહિતી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં ફરાર આરોપી સુમિત આદવડે રત્નાગિરિના ચિપલુણમાં છે. આથી પોલીસ ટીમે ચિપલુણ રવાના થઇ હતી અને એસટી સ્ટેન્ડની બાજુમાં આવેલી સ્વાગત લોજની બહાર છટકું ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં ગુનો કબૂલ્યો હતો.