બે પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી: બિલ્ડર વિરુદ્ધ એફઆઇઆર દાખલ
લૂકઆઉટ નોટિસ પણ જારી કરાઇ
મુંબઈ: ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈના બિલ્ડર, તેની પત્ની, બિઝનેસ પાર્ટનર્સ તથા અન્યો વિરુદ્ધ મુંબઈ અને નવી મુંબઈમાં બે અલગ અલગ એફઆઇઆર દાખલ કરાયા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ પોલીસે આ પ્રકરણે બિલ્ડર લલિત ટેકચંદાની અને તેની કંપની સુપ્રીમ ક્ધસ્ટ્રક્શન્સના ભાગીદારો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પણ જારી કરી હતી.
ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે ટેકચંદાની, તેની પત્ની કાજલ અને અરૂણ મખીજાની, મનુલ્લા કાચવાલા, મીઝા હસન ઇબ્રાહિમ સહિત ક્ધસ્ટ્રકશન કંપનીના ડિરેક્ટર્સ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.
હીરા મેઘરાજ જાધવાનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે ટેકચંદાનીના નવી મુંબઈના તળોજામાં આવેલા હેક્સ સિટી પ્રોજેક્ટમાં રૂ. 36 લાખનું રોકાણ કર્યું હતું. કંપનીના એક્ઝિક્યુટિવ મખીજાનીએ તેને કહ્યું હતું કે પ્રોજેક્ટ 2017માં તૈયાર થઇ જશે. જોકે 2016માં અચાનક બાંધકામ બંધ થઇ ગયું હતું.
હજારો ફ્લેટ ખરીદદારોએ ટેકચંદાનીના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું, પણ ન તો તેમને ફ્લેટ મળ્યા હતા, ન તો પૈસા પાછા મળ્યા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
એફઆઇઆર દાખલ થયા બાદ પોલીસે ટેકચંદાની અને તેના બિઝનેસ પાર્ટનર્સ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન ટેકચંદાની અને અન્યો વિરુદ્ધ મંગળવારે તળોજા પોલીસ સ્ટેશનમાં બીજો એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીઓએ નવી મુંબઈના ખારઘરમાં કંપનીના હાઉસિંગ પ્રોજેક્ટમાં 160 લોકો સાથે 44 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી, એમ અન્ય અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)