ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી કૉલેજના વિદ્યાર્થી સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી
પુણે: કૉલેજમાં ભણતા વિદ્યાર્થીને ડ્રગ્સ વેચવાના ખોટા આરોપ સામે ધરપકડ કરવાની ધમકી આપી 4,98,000 રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પુણેની એક કૉલેજમાં બની છે. વિદ્યાર્થી સાથે છેતરપિંડી કરવામાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા જેમાંથી બે પોલીસ કર્મી પણ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ આઠ આરોપીઓમાંથી પિંપરી-ચિંચવડ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી અને બાકીના આરોપીઓની શોધ ચાલી રહી છે.
હેમંત ગાયકવાડ, સચિન શેજલ, અમન અમીન શેખ, હુસૈન ડાંગે, મોહમ્મદ અહમર મિર્ઝા, શંકર ગોરડે, મુન્ના સ્વામી, અનિલ ચૌધરી આ આઠ આરોપીઓ સામે બ્લેકમેલિંગ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીઓમાંથી હેમંત ગાયકવાડ અને સચિન શેજલ બે પોલીસ કર્મીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેમ જ આરોપીઓમાંથી અમન અમીન શેખ દેહુરોડ પોલીસ સ્ટેશનમાં કામ કરે છે અને તે કેન્ટોનમેન્ટ બોર્ડના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અમીન શેખનો પુત્ર પણ હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી હતી.
મળેલી માહિતી મુજબ પીડિત વિદ્યાર્થીએ અમન શેખ નામના આરોપી સાથે ઓળખ થઈ હતી. અમન શેખે વિદ્યાર્થીને એક હોટેલમાં મળવા બોલાવ્યો હતો અને તે દરમિયાન શેખે તેના ખીચામાં ડ્રગ્સનું પેકેટ રાખ્યું હતું. તે પછી શેખે દેહુરોડ પોલીસ સ્ટેશનમાં કામ કરતાં શેજલ અને ગાયકવાડ આ બે પોલીસ કર્મીઓને ફોન કરીને ડ્રગ્સની માહિતી આપી હતી. આ દરમિયાન બંને આરોપી પોલીસ કર્મીઓએ પીડિતની તાપસ કરતાં તેના ખીચામાંથી ડ્રગ્સનું પેકેટ કાઢ્યું હતું અને આ કેસને ફગાવવા માટે 20 લાખ રૂપિયાની માગણી પણ કરી હતી. જોકે આરોપી અને પીડિત વચ્ચે આઠ લાખ રૂપિયા બે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું નક્કી થયું હતું.
પીડિત વિદ્યાર્થીને તેની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતાં આખી ઘટના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવી હતી, તે પછી આઠ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની તપસ શરૂ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને શેજલ અને ગાયકવાડ સાથે બીજા બે આરોપીઓની શોધ ચાલી રહી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.