ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચે કરોડોની છેતરપિંડી
પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે રૂ. ૩૨ કરોડ ફ્રીઝ કરાયા
નવી મુંબઈ: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર ઓછા સમયમાં સારા વળતરની લાલચે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સમયસર કરેલી કાર્યવાહીને કારણે આરોપીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જેમાં રૂ. ૩૨ કરોડથી વધુની રકમ હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ બાળુ સખારામ ખંડાગળે (૪૨) અને રાજેન્દ્ર રામખિલાવન પટેલ (૫૨) તરીકે થઇ હોઇ તેઓ ઘાટકોપરના રહેવાસી છે.
૨૮ એપ્રિલથી ૯ ઑગસ્ટ દરમિયાન ફરિયાદીનો એક મહિલાએ સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ અર્ચના નાયર તરીકે આપી હતી. ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડ કરતાં મોટા પ્રમાણમાં ફાયદો થશે, એવું મહિલાએ ફરિયાદીને જણાવ્યું હતું. બાદમાં આરોપીઓએ ફરિયાદીને વિવિધ બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરવાનું કહેતાં તેણે રૂ. ૬.૬૨ લાખ જમા કરાવ્યા હતા. જોકે ત્રણ મહિના વીતી ગયા છતાં ફરિયાદીને રોકાણ પર વળતર આપવામાં આવ્યું નહોતું. બીજી તરફ આરોપીઓનોે સંપર્ક પણ ન થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની તપાસ નવી મુંબઇની સાયબર પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.
સાયબર પોલીસે તાત્કાલિક સંબંધિત બેન્કો સાથે પત્રવ્યવહાર કર્યો હતો અને આરોપીઓ દ્વારા છેતરપિંડી આચરવા જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરાયો હતો તે ફ્રીઝ કરવાની સૂચના આપી હતી. ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ્સ અને મોબાઇલ નંબરોનું વિશ્ર્લેષણ કરતાં આરોપીઓ ઘાટકોપરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને બંને આરોપીની ધરપકડ કરી હતી.