આમચી મુંબઈ
થાણેમાં પાણીની ટાંકીમાં પડેલા શિયાળને બચાવી લેવાયું…

થાણે: થાણેના શિળ વિસ્તારમાં રવિવારે પાણીની ખુલ્લી ટાંકીમાં પડેલા શિયાળને બચાવી લેવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે વનવિભાગના અધિકારીઓએે અગ્નિશમન દળના જવાનો સાથે મળીને બપોરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જે એક કલાક ચાલ્યું હતું.
કલ્યાણ-શિલફાટા રોડ પર મુક્તાઇ રેસિડેન્સી નજીક પાણીની ટાંકીમાં શિયાળ પડી ગયું હતું. ટાંકીની મર્યાદિત જગ્યાને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી હતી.
જોકે અગ્નિશમન દળના જવાનો અને વનવિભાગના અધિકારીઓએ એક કલાક બાદ શિયાળને ટાંકીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું.
શિયાળને જંગલમાં છોડતા પહેલા તપાસ માટે વનવિભાગના અધિકારીઓ તેને પોતાની સાથે લઇ ગયા હતા, એમ તડવીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



