મરાઠા આંદોલનનો ચોથો દિવસ: જરાંગેએ પાણી છોડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતની માગણીને લઈને દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર ઉતરેલા મનોજ જરાંગે-પાટીલે સોમવારે પાણી પીવાનું બંધ કર્યા બાદ તેમના સ્વાસ્થ્યની તપાસ ડોક્ટરોએ કરી હતી.
મડાગાંઠ અકબંધ રહેતા, મહારાષ્ટ્રના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું કે સરકાર મરાઠા ક્વોટાના મુદ્દાના ઉકેલ પર કામ કરી રહી છે જે કાયદાની અદાલતમાં ટકશે.
સોમવારે જરાંગેએ પાણી પીવાનું બંધ કરી દીધું હતું, એવો દાવો તેમના સમર્થકોએ કર્યો હતો. તેમણે ફરી એકવાર પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી સરકાર મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (ઓબીસી) શ્રેણી હેઠળ 10 ટકા અનામત આપવાની તેમની માંગણી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં.
રાજ્ય સંચાલિત જેજે હોસ્પિટલના ડોકટરોની એક ટીમ આઝાદ મેદાન ગઈ હતી અને જરાંગેનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ તપાસ્યું હતું.
મરાઠા અનામતના મુદ્દા પર કેબિનેટ સબ-કમિટીના વડા વિખે પાટીલ રવિવારે રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને પરિસ્થિતિની ચર્ચા કરી હતી.
‘અમે આ મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ. હું સંમત છું કે તેમાં સમય લાગી રહ્યો છે, પરંતુ ઉકેલ કોર્ટમાં ટકાઉ હોવો જોઈએ,’ એમ વિખે-પાટીલે સોમવારે પત્રકારોને જણાવ્યું.
તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે મુંબઈના રહેવાસીઓની દિનચર્યા પ્રભાવિત ન થાય કારણ કે તે તેમના આંદોલનને ખરાબ ચિતરશે.
આ પણ વાંચો…જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ