કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પ્યૂનની ધરપકડ
શાળા પ્રશાસન સામે વડીલો-નાગરિકોના દેખાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલી પૂર્વમાં આવેલી પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. આ મામલે શાળાના શંકાસ્પદ અભિગમનો વિરોધ કરી વડીલો-નાગરિકોએ રસ્તા પર ઊતરી દેખાવ કર્યા હતા અને આરોપીને મૃત્યુદંડ આપવાની માગણી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે બનેલી ઘટનાથી આઘાતમાં સરી પડેલી બાળકીને સારવાર માટે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીએ આરોપીને ‘કાલા અંકલ’ તરીકે ઓળખી કાઢ્યા પછી સમતાનગર પોલીસે રવિવારે શાળાના પ્યૂનની ધરપકડ કરી હતી.
બાળકી કાંદિવલી પૂર્વમાં આવેલી પ્રી-સ્કૂલમાં ભણતી હતી. શાળાનો સમય સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધીનો હતો. બાળકીને શાળાએ મૂકવા અને લાવવા રોજ તેની માતા જતી હતી. શુક્રવારે બપોરે બાળકી ઘરે આવ્યા પછી સાંજે તેની તબિયત બગડી હતી. દુ:ખાવાની ફરિયાદ કરનારી બાળકીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ માતાને કરી હતી. બાળકીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંના ડૉક્ટરે આ અંગે પોલીસને જાણ કરી હતી.
ઘટનાને પગલે રોષે ભરાયેલા બાળકીના વડીલોએ શાળા પ્રશાસન વિરુદ્ધ તેમને સહકાર આપવાની લોકોને અપીલ કરી હતી, જેને પગલે સોમવારે અનેક લોકો રસ્તા પર ઊતર્યા હતા અને શાળા સમક્ષ દેખાવ કર્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે શાળા પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બાળકીના વડીલો દ્વારા શાળા પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. બનેલી ઘટનાની પોલીસને જાણ ન કરી, સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ ડિલીટ કરી નાખવામાં આવ્યાં, પ્યૂનને નોકરી પરથી કાઢી નાખવાનું બહાનું, જેવાં અનેક આક્ષેપો થતાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે.