બાળકો પાસે ભીખ મગાવનારી ચાર મહિલાની ધરપકડ: 13 બાળક છોડાવાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં બાળકો પાસે ભીખ મગાવનારી ચાર મહિલાની ધરપકડ કરી પોલીસે 13 બાળક છોડાવ્યાં હતાં. છોડાવાયેલાં બાળકોને બાળ કલ્યાણ સમિતિના આદેશથી ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયાં હતાં.
ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ (એસજેપીયુ)ને મલાડ પશ્ર્ચિમમાં મઢ-માર્વે રોડ પર મીઠ ચોકી જંક્શન ખાતે મોટી સંખ્યામાં બાળકો પાસે ભીખ મગાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે એસજેપીયુના અધિકારીઓએ અન્ય યુનિટ સાથે મળીને બુધવારે કાર્યવાહી કરી હતી.
મીઠ ચોકી જંક્શન પાસે ભીખ માગનારા ત્રણથી 15 વર્ષના 13 બાળક મળી આવ્યાં હતાં. બાળકોની પૂછપરછમાં ચાર મહિલાએ તેમને ભીખ માગવાની ફરજ પાડી હોવાનું જણાયું હતું. તાબામાં લેવાયેલી ચારેય મહિલાને બાંગુર નગર પોલીસને સોંપાઈ હતી. બાંગુર નગર પોલીસે મહિલાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન છોડાવાયેલાં બાળકોને માનખુર્દની બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર કરવામાં આવ્યાં હતાં. સમિતિના આદેશથી તેમને બાળસુધારગૃહમાં મોકલી દેવાયાં હતાં.