થાણેમાં બિલ્ડરની હત્યાના કેસમાં ચારને આજીવન કેદ
મુંબઈ: 2015માં બિલ્ડરની હત્યાના કેસમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાની કોર્ટે ચાર વ્યક્તિને આજીવન કેદની સજા ફરમાવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ સેશન્સ જજ પી આર અશતુરકરે કલ્યાણ કોર્ટમાં 17 જાન્યુઆરીએ આપેલા આદેશમાં અલગ અલગ ગુના હેઠળ ચારને દોષી ઠેરવ્યા હતા.
આઈપીસી (ભારતીય દંડ સંહિતા)ની કલમ 302 (હત્યા), કલમ 120બી (ગુનાઇત કાવતરું) અને કલમ 201 (પુરાવાનો નાશ) અંતર્ગત આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર ડોમ્બિવલીના દાવડી ગામના બિલ્ડર ગણેશ મનિયા ચવાણે (36 વર્ષ) એક આરોપી સંતોષ ચવાણને બે લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. પણ એ ચૂકવવા ગલ્લાંતલ્લાં કરી રહ્યો હતો.
26 સપ્ટેમ્બર, 2015ના દિવસે બિલ્ડર ગામમાં હોસ્પિટલ નજીક મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે સંતોષ ચવાણ અને અન્ય લોકોએ એના પર હથિયારથી હુમલો કર્યો હતો જેના પગલે એનું અવસાન થયું હતું. કેસમાં કુલ સાત આરોપી હતા.