પીઈએસઓના બે અધિકારી સહિત ચાર જણની લાંચના કેસમાં ધરપકડ
નાગપુર: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કથિત લાંચના કેસમાં પેટ્રોલિયમ ઍન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઑર્ગેનાઈઝેશન (પીઈએસઓ)ના બે અધિકારી સહિત ચાર જણની ધરપકડ કરી તેમની પાસેથી 2.25 કરોડ રૂપિયા હસ્તગત કર્યા હતા.
સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા એફઆઈઆર અનુસાર ધરપકડ કરાયેલાઓમાં નાગપુરના રહેવાસી પ્રિયદર્શન દિનકર દેશપાંડે અને રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લા સ્થિત સુપર શિવશક્તિ કેમિકલના ડિરેક્ટર દેવી સિંહ કચ્છવાહનો સમાવેશ થાય છે.
તપાસ એજન્સીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં પીઈએસઓ સાથે કામ કરતા બે ડેપ્યુટી ચીફ કોન્ટ્રોલર્સ ઑફ એક્સપ્લોઝિવની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પીઈએસઓ વિસ્ફોટકો, કોમ્પ્રેસ્ડ ગૅસ અને પેટ્રોલિયમ જેવા જોખમી પદાર્થોની સુરક્ષાના નિયમન માટેની નોડલ સરકારી એજન્સી છે.
એફઆઈઆર અનુસાર દેશપાંડે મધ્યસ્થી તરીકે કામ કરતો હતો. તેણે પીઈએસઓના અધિકારીઓને લાંચ આપીને કચ્છવાહની કંપની માટે કામ મેળવવાનું કાવતરું ઘડ્યું હતું. કંપની તેનાં ઈલેક્ટ્રોનિક ડિટોનેટરની ઉત્પાદન ક્ષમતા માર્ચ, 2024 સુધી 75 ટકા સુધી વધારવા માગતી હતી અને આ માટે આરોપીઓએ કંપનીના અત્યારના લાઈસન્સમાં સુધારણા કરી હતી.
માહિતીને આધારે સીબીઆઈએ બુધવારની સાંજે સેમિનરી હિલ્સ સ્થિત પીઈએસઓ ઑફિસ નજીકની ટાઈપિંગ શૉપ ખાતે છટકું ગોઠવ્યું હતું. 10 લાખ રૂપિયા કથિત રીતે સ્વીકારનારા દેશપાંડે અને કચ્છવાહને અધિકારીઓએ પકડી પાડ્યા હતા. બાદમાં સીબીઆઈની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દેશપાંડેના નિવાસસ્થાનેથી 1.25 કરોડ રૂપિયા અને પીઈએસઓના આરોપી અધિકારીઓમાંથી એકની ઑફિસમાંથી 90 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓને ગુરુવારની સાંજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)