Home ministerના શહેર નાગપુરમાં અઠવાડિયામાં ચાર હત્યા

નાગપુરઃ સંતરાના શહેર તરીકે જાણીતું નાગપુર (Nagpur) મહારાષ્ટ્રનું ઘણું મોટું અને મહત્વનું શહેર છે. રાજકીય દૃષ્ટિએ પણ આ શહેર મહત્વનું છે. એક તો રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) આ શહેરના છે અને અહીંના જ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. વળી આ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો પણ લોકસભા મતવિસ્તાર છે અને આ સાથે આરએસએસનું મુખ્યાલય પણ અહીં છે. જોકે આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયા હોવાનો કકડાટ વિરોધપક્ષો કરતા હોય છે. આવી સ્થિતિમાં અહીં ફેબ્રુઆરી મહિનાના પાંચ દિવસમાં ચાર હત્યા થઈ હોવાના અહેવાલો છે.
આ મહિનામાં ચોથી હત્યાની ઘટના ગઈકાલે રાત્રે વાઠોડા પોલીસ સ્ટેશનના ઓરેન્જ નગર વિસ્તારમાં સ્મિથ બાર પાછળ બની હતી. વર્ચસ્વની લડાઈના કારણે આ વિસ્તારમાં રહેતા બે ગુનેગાર યુવકોએ શેખ ફિરોઝ નામના શખ્શની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં સુમિત સાખરકર અને પ્રણય સરકારનો સમાવેશ થાય છે, તેમ એક અહેવાલ જણાવે છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક શેખ ફિરોઝ પણ ગુનેગાર છે અને તેના પર હત્યા, બળાત્કાર અને હુમલાના 20 જેટલા કેસ છે. શેખ ફિરોઝ તેના પરિવાર સાથે ઓરેન્જનગરમાં રહેતો હતો અને ઘરની નજીક પાનની ટપરી ચલાવતો હતો. રવિવારે રાત્રે આરોપી સુમિત વાત કરવાના બહાને શેખ ફિરોઝને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ તે તેના મિત્ર પ્રણય સાથે તેને અંધારામાં લગભગ 200 મીટરના અંતરે લઈ ગયો હતો અને તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
શેખ ફિરોઝ રાતભર ઘરે પરત ન ફરતાં સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ તેની પત્ની પરિવાર સાથે તેને શોધવા નીકળી હતી. લગભગ એક કલાક સુધી શોધખોળ કર્યા બાદ શેખ ફિરોઝની લાશ મળી આવી હતી. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હોવાનુ અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
એક સપ્તાહમાં ચાર હત્યાના બનાવથી પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને બન્ને આરોપીને અટકાયતમાં લઈ તપાસ શરૂ કરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.