મુંબઈ-નાશિક હાઇવે પર અકસ્માતમાં ચાર જણ ઘાયલ

થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાંવ ટોલનાકા નજીક રવિવારે સવારે ટ્રક સાથે ટેન્કર ભટકાતાં ચાર જણ ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ ટ્રકચાલક ઇજાઝ અહમદ, તેનો સાથીદાર રાશિદ અબ્દુલ, પ્રવાસી અમઝદ ખાન અને અબ્દુલ સમદ તરીકે થઇ હોઇ તેમને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નાશિકના માલેગાંવથી ટ્રક મુંબઈ તરફ આવી રહી હતી અને તેમાં આઠ જણ પ્રવાસ કરી રહ્યા હતા. ટ્રકમાં 12 ટન મેંદો હતો. રવિવારે સવારે છ વાગ્યાની આસપાસ ટ્રક ખારેગાંવ નજીક આવી ત્યારે ચાલક ઇજાઝ અહમદે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તે સામેથી આવનારા ટેન્કર સાથે ટકરાઇ હતી. એમ પોલીસે કહ્યું હતું.
દરમિયાન અકસ્માતની જાણ થતાં કલવા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા લોકોને ટ્રકમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. બાદમાં ક્રેનની મદદથી બંને વાહનને રસ્તા પરથી હટાવાયા હતાં.