ટ્રેનમાંથી 7.37 લાખના દાગીના ભરેલી બૅગ ચોરવા પ્રકરણે બે સગીર સહિત ચાર પકડાયા

થાણે: લોકલ ટ્રેનમાં ઓવરહેડ રૅકમાં મૂકેલી 7.37 લાખ રૂપિયાના દાગીના ભરેલી પ્રવાસીની બૅગ ચોરવાના કેસમાં પોલીસે બે સગીર સહિત ચાર જણને પકડી પાડ્યા હતા.
સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અર્શુદ્દીન શેખે જણાવ્યું હતું કે ઘટના 31 ઑગસ્ટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કલ્યાણ તરફ જઈ રહેલી ટ્રેનમાં બની હતી. કલ્યાણ જઈ રહેલા 54 વર્ષના પ્રવાસીએ ટ્રેનમાં ઓવરહેડ રૅક પર મૂકેલી કાળા રંગની બૅગ એકાએક ગુમ થઈ ગઈ હતી. બૅગમાં 7 કિલો ચાંદી અને 20 ગ્રામ સોનાના દાગીના હતા, જેની કિંમત 7.37 લાખ રૂપિયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીએ અમુક લોકોને ઠાકુર્લી સ્ટેશન પર ઉતાવળે ઊતરતા જોયા હતા. પરિણામે ફરિયાદીએ ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(સી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગુનો નોંધાતાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચની જૉઈન્ટ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે સીએસએમટીથી ઠાકુર્લી સ્ટેશન સુધીનાં રેલવે સ્ટેશનો પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે શકમંદોને ઓળખી તેમને તાબામાં લીધા હતા.
પોલીસે અલ્તમાસ રઝાક ખાન (25) અને શુભમ સંદીપ ઠાસલે (20)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓના બે સગીર સાથીને પણ થાણેથી પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીની મતા હસ્તગત કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)