ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારી ટોળકીના ચાર સુરતમાં પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ એરેસ્ટના નામે મલાડના ગુજરાતી સિનિયર રિટિઝન પાસેથી લાખો રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે સુરતથી ચાર જણની ધરપકડ કરી હતી. આ ટોળકીએ સાયબર ફ્રોડ થકી અનેક લોકોને છેતરીને નાણાં પડાવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જય અસોડિયા, સંદીપ કેવડિયા, ધરમ ગોહિલ અને જય મોરડિયા તરીકે થઈ હતી. ચારેયને સુરતના કામરેજ વિસ્તારમાંથી તાબામાં લેવાયા હતા. જય અસોડિયા આ ટોળકીનો સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઈમિટેશન જ્વેલરીના કામમાંથી નિવૃત્તિ લેનારા બિપિન શાહ (68)ને 21 ડિસેમ્બરની સવારે ગોયલ નામના શખસે વ્હૉટ્સઍપથી વીડિયો કૉલ કર્યો હતો. શાહને તેમના બૅન્ક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો હોવાનું શખસે કહ્યું હતું. ફરિયાદીને ડિજિટલ એરેસ્ટની ધાક બતાવી રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.
ફરિયાદ અનુસાર શાહે 8.60 લાખ રૂપિયા આરોપીએ જણાવેલા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે સંબંધિત બૅન્ક ખાતાની તપાસ કરતાં ખાનગી બૅન્કની સુરત શાખામાં નાણાં ટ્રાન્સફર કરાયાં હોવાનું જણાયું હતું. સુરત પહોંચેલી પોલીસની ટીમે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા.
Also read: સાયબર ફ્રોડ કરનારી ટોળકીનો સભ્ય રાજસ્થાનમાં પકડાયો
એક આરોપી બૅન્કના એટીએમમાંથી રૂપિયા કઢાવવા આવ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી વધુ ત્રણને તાબામાં લેવાયા હતા. આ ટોળકીનો મુખિયો જય અસોડિયા ગરીબ લોકોને સાતથી આઠ હજાર રૂપિયા આપીને તેમની પાસેથી દસ્તાવેજો મેળવતો. એ દસ્તાવેજોને આધારે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો. કહેવાય છે કે છેતરપિંડીથી મળેલી રકમમાંથી પોતાનો હિસ્સો લઈ બાકીના રૂપિયા તે માસ્ટરમાઈન્ડ સુધી પહોંચતા કરતો. આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરીને વિદેશ મોકલવામાં આવતાં હોવાનું તપાસમાં જણાયું હતું.