આમચી મુંબઈ

બૅન્ક લૂંટના કેસમાં 16 વર્ષ બાદ ચાર આરોપી નિર્દોષ

થાણે: રાષ્ટ્રીયકૃત બૅન્કની ડોમ્બિવલી શાખામાં શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવવાના કેસમાં કોર્ટે 16 વર્ષ બાદ ચાર આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. તપાસકર્તા પક્ષ ગુનામાં આરોપીઓની સંડોવણી પુરવાર કરી શક્યો ન હોવાની નોંધ કોર્ટે કરી હતી.
ડોમ્બિવલીના માનપાડા રોડ પર આવેલી યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાની શાખામાં 13 નવેમ્બર, 2009ના રોજ ત્રણ લૂંટારા ઘૂસ્યા હતા. શસ્ત્રોની ધાકે બૅન્કના કર્મચારીઓને ધમકાવીને 5.88 લાખની રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારાઓએ મહિલા પાસેથી જબરદસ્તી સોનાની રિંગ અને મોબાઈલ ફોન પણ પડાવ્યા હતા.

આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: સોલાપુરમાં ગૅસ કટરથી એટીએમ કાપ્યા પછી 23 લાખની લૂંટ, એટીએમ સેન્ટરનો એલાર્મ વાગ્યા છતાં કોઈ દરકાર ન કરી

પોલીસે આ કેસમાં કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં રહેતા સુનીલ બાજીરાવ અતંગળે (53), શામ બાળાસાહેબ થોમ્બ્રે (47), કિરણ ભાલચંદ્ર બોરસે અને માણિક શામરાવ વાઘ (47)ની ધરપકડ કરી હતી.

બચાવ પક્ષના વકીલો સાગર કોલ્હે, નીતિન ભુને અને અમોલ જોશીએ દલીલ કરી હતી કે તેમના અસીલોને ગુનામાં સંડોવતા કોઈ નક્કર પુરાવા નથી.

સ્પેશિયલ એમસીઓસીએ જજ એ. એન. સિરસિકરે ચુકાદામાં નોંધ્યું હતું કે સાક્ષીઓની જુબાનીમાં સાતત્યતા નહોતી. એટલે ચારેય આરોપીને શંકાનો લાભ આપવામાં આવે છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button