Assembly Elections: કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ કરશે એમવીએનો પ્રચાર

મુંબઈ: બંધારણની કલમ 370 અને 35(એ)ને જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) માટે પ્રચાર કરશે. તે રવિવારે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને તે મહાવિકાસ આઘાડી માટે પ્રચાર કરશે તેવો તેમને વાયદો કર્યો હતો.
હાલની સરકારની જાહેરમાં ટીકા કરનારા મલિકે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપની હાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મલિકે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો જ વિજય થશે.
ચૂંટણીમાં એકજૂટ રહેજો: મલિકની સલાહ
આ ઉપરાંત મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ), કૉંગ્રેસ અને એનસીપી(શરદ પવાર જૂથ)ને એકજૂટ રહેવાની સલાહ પણ તેમણે આપી હતી.
ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે તેમને મળેલા મલિકે કહ્યું હતું કે હું મારું સંપૂર્ણ સમર્થન મહાવિકાસ આઘાડીને આપું છું અને હું ચૂંટણીમાં તેમની માટે પ્રચાર પણ કરીશ. મને મળેલી માહિતી અનુસાર ચૂંટણીમાં ભાજપની હાર થશે.
આ સિવાય ઉદ્ધવ ઠાકરેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના ગઠબંધન ‘ઇન્ડિયા’ વિશે પણ ચર્ચા થઇ હોવાનું મલિકે જણાવ્યું હતું. આ ચૂંટણી ભાજપના વિનાશ માટેનો છેલ્લો પ્રહાર હશે, એમ તેમણે કહ્યું હતું.