કોરોનાનું સંકટ રાજ્યમાં ફરી ટાસ્ક ફોર્સની રચના
રાજ્યમાં કોરોનાના નવા ૮૭ દર્દી અને બે મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોનાની પહેલી લહેર દરમિયાન વધતા દર્દીની સંખ્યા પર નિયંત્રણ રાખવા તેના પર ઉપાયયોજના કરવા માટે ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના રાજ્ય સરકારે નિષ્ણાત ડૉકટરોની ટાસ્ક ફોર્સ બનાવી હતી. હવે મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઊંચક્યું છે અને દર્દીની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમ જ કોરોનાનો નવો વેરિયન્ટ જેએન-૧ના દર્દી પણ વધી રહ્યા છે. દર્દીની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટાસ્ક ફોર્સની પુન:રચના કરવામાં આવી હોવાનું સાર્વજનિક આરોગ્ય પ્રધાન ડૉ.તાનાજી સાવંતે કહ્યું હતું. આ દરમિયાન બુધવારે રાજ્યમાં નવા ૮૭ દર્દી નોંધાવાની સાથે જ બે દર્દીના મૃત્યુ નોંધાયા હતા.
રાજ્યમાં નવેસરથી રચવામાં આવેલી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ સ્થાને આયસીએમઆર-દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણ ગંગાખેડકર છે. આ ટાસ્ક ફોર્સનું કામ ગંભીર અને અતિગંભીર કોરોનાના દર્દીઓને સારવાર અને હૉસ્પિટલમાં દાખલ કરવાને માટે નિયમાવલી તૈયાર કરવી, કોરોના ક્રિટીકલ કેર હૉસ્પિટલમાં નિષ્ણાત ડૉકટર અને આરોગ્ય સેવા સહાયક કર્મચારીઓની આવશ્યકતાની ભલામણ કરવી, ગંભીર કોરોના દર્દી પર સારવાર કરતા સમયે એક સમાનતા રાખવા માટે સારવાર દરમિયાન માર્ગદર્શક સૂચના આપવી જેવા કામ રહેશે.
આ દરમિયાન રાજ્યમાં બુધવારે કોરોનાના ૮૭ નવા દર્દી નોંધાયા હતા, જેમાં મુંબઈના ૧૯ નવા દર્દીનો સમાવેશ થાય છે. તો રાજ્યમાં દિવસ દરમિયાન બે કોરોના દર્દીના મૃત્યુ નોંધાયા હતા. એ સાથે જ રાજ્યમાં મૃત્યુદર
૧.૮૧ ટકા થઈ ગયો છે.દિવસ દરમિયાન રાજ્યમાં ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા હતા. એ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીની સંખ્યા ૮૦,૨૩,૪૫૬ થઈ ગઈ છે. રાજ્યમાં દર્દી સાજા થવાનું પ્રમાણ ૯૮.૧૮ ટકા છે.બુધવારે દિવસ દરમિયાન ૧૦,૮૬૪ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
હાલ રાજ્યમાં એક્સબીબી.૧.૧૬ વેરિયન્ટના ૧,૯૭૨ દર્દી મળ્યા છે, તેમાંથી ૧૯ દર્દીના મૃત્યુ થયા છે. તો જેએન.૧ વેરિયન્ટના અત્યાર સુધી ૧૦ દર્દી નોંધાયા છે, જેમાં થાણેમહાનગરપાલિકાની હદમાં પાંચ, પુણે મહાનગરપાલિકામાં બે, પુણે ગ્રામીણમાં એક, અકોલા પાલિકામાં એક અને સિંધુદુર્ગમાં એક દર્દીનો સમાવેશ થાય છે.
પહેલી જાન્યુઆરી, ૨૦૨૩થી અત્યાર સુધી કોરોનાને કારણે ૧૩૬ દર્દીના મૃત્યુ થયા છે, તેમાંથી ૭૧.૩૨ ટકા દર્દી ૬૦ વર્ષની ઉપરના છે, તો ૮૪ ટકા જુદી જુદી ગંભીર બીમારી ધરાવતા છે.