દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા એસઆઇટીની રચના | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા એસઆઇટીની રચના

મુંબઈ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા માટે મુંબઈ પોલીસે મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવ કેસની તપાસ કરશે અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અજય બંસલ તપાસ પર દેખરેખ રાખશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દિશા સાલિયને (૨૮) ૮ જૂન, ૨૦૨૦ના રોજ બહુમાળી ઇમારત પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. દિશાના મૃત્યુ બાદ રાજ્યમાં રાજકીય કાદવઉછાળ મોટા પ્રમાણમાં થયો હતો અને એ સમયે વિપક્ષમાં રહેતા ભાજપે ગત મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આ કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

અમુક નેતાઓએ દિશાની હત્યા થઇ છે એવો આક્ષેપ કરીને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું નામ સંડોવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે ગયા સપ્તાહે કહ્યું હતું કે અનેક નેતાઓ લાંબા સમયથી કેસની એસઆઇટી તપાસ માટે માગણી કરી રહ્યા છે. ભાજપના અન્ય વિધાનસભ્ય પ્રસાદ લાડે કહ્યું હતું કે એસઆઇટી તપાસથી દિશા પ્રકરણમાં બધી શંકાઓ દૂર થઇ જશે.

દરમિયાન ઉદ્ધવ ઠાકરેને મંગળવારે આ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મને આ વિશે સત્તાવાર માહિતી મળી નથી.

જો વિધિસર રીતે આમાંથી કશું પણ બહાર આવશે તે દિવસે અમે તેમના વિશે માહિતી બહાર લાવીશું. જો તેઓ અમારી પર ખોટા આક્ષેપ કરશે તો તેમની વિરુદ્ધની અસલી માહિતી અમે બહાર લાવીશું, એમ ઠાકરે જૂથના નેતાએ કોઇનું નામ લીધા વિના કહ્યું હતું. (પીટીઆઇ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button