ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગને નામે છેતરનારા કૉલ સેન્ટરનો પર્દાફાશ: 14 પકડાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગમાં ક્ધફર્મ અને વધુમાં વધુ નફાની લાલચે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 14 જણની ધરપકડ કરી હતી.
મલાડ પશ્ર્ચિમમાં ચિંચોલી બંદર રોડ પરના ક્વૉન્ટમ ટાવરમાં આવેલા કૉલ સેન્ટરના માધ્યમથી નાગરિકો પાસેથી નાણાં પડાવવામાં આવતાં હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના સબ-ઈન્સ્પેક્ટર વિકાસ મોરેને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે ગુરુવારે કાર્યવાહી કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ કૉલ સેન્ટરના કર્મચારીઓ યુનાઈટેડ કિંગડમ (યુકે)ની એક બ્રોકિંગ ફર્મમાંથી બોલી રહ્યા હોવાનું કહેતા હતા. ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવા પર ક્ધફર્મ અને વધુમાં વધુ નફો મળવાની લાલચ કર્મચારીઓ આપતા હતા. લાલચમાં સપડાવી કર્મચારીઓ નાગરિકોને રોકાણ કરવાની ફરજ પાડતા હતા.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ ઑનલાઈન મૅચ ટ્રેડર ઍપ્લિકેશનની મદદથી નાગરિકોની વ્યક્તિગત માહિતી મેળવતા હતા. ત્યાર બાદ માહિતીને આધારે ઑનલાઈન એપ્લિકેશન દ્વારા નાગરિકોને કૉલ કરતા હતા. લાખો રૂપિયા પડાવીને આરોપીઓ રોકાણકારોને પહેલાં નફો થતો હોવાનું દર્શાવતા હતા અને વધુ નાણાં રોકવા પ્રેરતા હતા. બાદમાં ટ્રેડિંગ ઍપમાં નુકસાન થયાનું જણાવી આરોપીઓ છેતરપિંડી કરતા હતા.
કૉલ સેન્ટરમાંથી 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બે લૅપટોપ, 16 ડેસ્કટોપ, બે મોબાઈલ ફોન અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આરોપીઓ વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.