વિઠ્ઠલવાડીથી કલ્યાણ એલિવેટેડ માર્ગ માટે રૂ. 642.98 કરોડની મંજૂરી
મુંબઈ: કલ્યાણ અહમદનગર નેશનલ હાઇવે, કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઇવે અને જૂનો પુણે લિન્ક રોડને જોડતા એલિવેટેડમાર્ગના કામ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા 642.98 કરોડ રૂપિયાના ભંડોળના પ્રસ્તાવને માન્યતા આપવામાં આવી છે.
હાલમાં વિઠ્ઠલવાડીથી કલ્યાણ જવા માટે કોઈ સીધો રોડ ન હોવાથી 40થી 60 મિનિટ જેટલો સમય લાગે છે. આ માર્ગનું કામ પૂરું થયા બાદ વિઠ્ઠલવાડીથી કલ્યાણ જવા માટેનો પ્રવાસ પાંચથી દસ મિનિટમાં પાર પડશે એવું એક અધિકારીએ જણાવ્યું હતું. આ માર્ગમાં બે રેલવે ટ્રેક આવતા વાલધુની નદીની જેમ વિઠ્ઠલવાડીથી કલ્યાણ અહમદનગર નેશનલ હાઇવે સુધી આ રસ્તો બનાવવામાં આવશે.
કેડીએમસીના ક્ષેત્રમાં આવેલા વિઠ્ઠલવાડીમાં કલ્યાણ અહમદનગર નેશનલ હાઇવેને જોડતો માર્ગ ન હોવાથી વાહનોને કલ્યાણ શહેરના રસ્તાથી પ્રવાસ કરવો પડે છે, જેથી અંદાજે એક કલાક જેટલો સમય લાગે છે. આ સાથે જ ઉલ્હાસનગરમાંથી કલ્યાણ બદલાપુર નેશનલ હાઇવે કોર્સ કરીને ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે.
ઉલ્હાસનગર નેશનલ હાઇવે, કલ્યાણ બદલાપુર નેશનલ હાઇવે અને જૂનો પુણે લિન્ક રોડ આ રસ્તાઓ એકબીજા સાથે જોડાયેલા ન હોવાથી વિધાનસભ્ય ડૉ. શ્રીકાંત શિંદેએ આ રસ્તાઓને જોડવા માટે એલિવેટેડ માર્ગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને હવે માન્યતા મળી ગઈ છે.
કલ્યાણથી કર્જત અને કસારા આ બે રેલવે માર્ગ, ત્રણ હાઇવેને એલિવેટેડ માર્ગ જોડશે. આ પ્રોજેકટ માટે કુલ 38,160 ચો.મી. જેટલી જમીન પર વિકસાવવામાં આવવાનો છે, આ કુલ જમીનમાંથી 23,951 ચો.મી. જેટલી જમીનને તાબામાં લેવામાં આવી છે. આ એલિવેટેડ માર્ગ વિઠ્ઠલવાડી સ્મશાનભૂમી નજીકથી શરૂ થશે અને કલ્યાણ અહમદનગર હાઇવે પર આવેલા પામ રિસોર્ટ પાસે પૂરો થશે. એક કિ.મી. 654 મીટર લાંબો ચાર લેનવાળો આ માર્ગ પર કલ્યાણ રેલવે સ્ટેશન જવા માટે 240 મી.નો એક સ્વતંત્ર રસ્તો પણ બનાવવામાં આવશે.
એલિવેટેડ માર્ગના પ્રોજેકટ માટે કલ્યાણ મુરબાડ રોડ અને પુણે લિન્ક રોડ પર ચાર લેન રસ્તો બનાવવામાં આવવાનો છે. વાલધુની નદીના પરિસરમાં 18 મીટર વિકાસ યોજના રોડનું અમે બંને રેલવેની જમીન પર ડાંબરના રસ્તા બનાવવામાં આવશે. સાથે જ વલધુની નદીના બાજુમાં 1,490 મીટરની સુરક્ષા દીવાલ પણ બંધવામાં આવવાની છે અને આ માર્ગમાં આવતા ત્રણ ચોકનું પણ સમારકામ કરવામાં આવવાનું છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.