દિવાળીના પગલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આક્રમક
ભેળસેળયુક્ત દૂધ, માવો, સનફ્લાવર તેલ અને પામતેલ જપ્ત
મુંબઈ: તહેવારોની સિઝનમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થવાની સંભાવના વધુ રહે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી કરીને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થાય. પશ્ર્ચિમી ઉપનગરોમાં વિલેપાર્લે, સાકીનાકા અને બોરીવલીમાં મોટી માત્રામાં ભેળસેળયુક્ત દૂધ, માવો, સૂર્યમુખી તેલ અને પામતેલ જપ્ત કરવામાં આવ્યું છે.
૬ નવેમ્બરે વિલેપાર્લેના સંભાજીનગરમાં દૂધ વેચનાર સૈદુલુ મલ્લેશ સામે કાર્યવાહી કરીને અમૂલ કંપનીના રૂ. ૫,૭૯૮ની કિંમતના ૧૦૭ લિટર ભેળસેળયુક્ત દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. આ જ રીતે બોરીવલી પૂર્વમાં બ્રિજવાસી માવાવાલાની દુકાન પર ૪ નવેમ્બરે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે છૂટક વેચાણ માટે રાખવામાં આવેલ ગોકુલ કંપનીનું ઘી અને રૂ. ૫૨,૨૭૦ની કિંમતનો ૨૦૯ કિલો માવો જપ્ત કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ, અસ્વચ્છતા અને હલકી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. સાકીનાકાના અરબાઝ બરાડિયાની માલિકીની મે. પ્રગતિ ઓઈલ મિલ પર દરોડો પાડીને રૂ. ૧,૦૭,૧૨૦ની કિંમતનું રિફાઇંડ સનફ્લાવર ઓઇલ અને પામતેલ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ ૩ નવેમ્બરના રોજ સાકીનાકાથી મે. મંગલદીપ ફૂડ્સ પર દરોડા દરમિયાન ૫,૨૬૫ રૂપિયાની કિંમતનું ૫૮ કિલો પામોલીન જપ્ત કરવામાં આવ્યું હતું. આ તેલ રિસાઇકલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારી શૈલેન્દ્ર આધવ અને મદદનીશ કમિશનર આર. ડી. પવાર, એ. એન. રાંજને, ડો. સચિન જાદવના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટર કે. વાય. ચિપલુણકર, જી. એમ. ગાયકવાડે આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો.