મુંબઈ-ગોવા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર કડડડ ભૂસ…

ચિપલૂણઃ મુંબઈ-ગોવા એક્સપ્રેસવે પર ચિપલુણ નજીક ફ્લાયઓવર બ્રિજનો કેટલોક હિસ્સો સોમવારે સવારે તૂટી પડ્યો હતો. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈને ઈજા ન થઈ હોવાની માહિતી મળી રહી છે.
મુંબઈ-ગોવા એક્સપ્રેસ વેને ફોર લેન બનાવવાના પ્રોજેક્ટ હેઠળ ચિપલુણ ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન સોમવારે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ આ બ્રિજનો એક ગર્ડર પડી ગયો હતો અને થોડીક વારમાં જ પુલનો અમુક હિસ્સો પણ તૂટીને નીચે પડ્યો હતો. પુલનું કામ કરનારી ક્રેન પણ ખરાબ થઈ ગઈ છે.
મળી રહેલી માહિતી પ્રમાણે બહાદુરશેખ નાકાના ફ્લાયઓવરમાં કુલ 46 પિલર હોય છઠ્ઠા પિલર સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અચાનક સોમવારે સવારે ફ્લાયઓવરનો ગર્ડર ધસી પડ્યો હતો અને એને કારણે મોટો અવાજ આવ્યો હતો. ત્યાર બાદ થોડા સમય સુધી તો કંઈ થયું નહીં પરંતુ થોડાક સમય બાદ પુલનો કેટલોક હિસ્સો પણ તૂટી પડ્યો હતો.
સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ દરમિયાન કામ ચાલી રહ્યું હતું એ સમયે જ આ ગર્ડર ધસી પડ્યો હતો, પરંતુ એ સમયે આટલું નુકસાન થયું નહોતું. પરંતુ બપોરે સવાબે-અઢી વાગ્યાની આસપાસમાં ફ્લાયઓવરનો અમુક હિસ્સો પણ તૂટી પડ્યો હતો. આ સમયે સાઈટ પર કામ કરી રહેલી ક્રેન પણ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ હતી.
સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. પણ તૂટી પડેલાં ફ્લાયઓવરનો કાટમાળ ઉંચકવા માટે બે મહિના જેટલો સમય લાગી શકે છે, એવી માહિચી રત્નાગિરી સાર્વજનિક બાંધકામ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવી હતી.