કલ્યાણમાં એપીએમસી માર્કેટ ખાતે ફૂલવિક્રેતાની હત્યા: ભાગીદાર પકડાયો

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) માર્કેટ ખાતે પંચાવન વર્ષના ફૂલવિક્રેતાની કાતરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
કલ્યાણની માર્કેટમાં રવિવારે સવારના નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ફૂલવિક્રેતાની ઓળખ ચમનલાલ નંદલાલ કાર્લા તરીકે થઇ હતી. આ હુમલામાં ચમનલાલના પરિવારના બે સભ્ય પણ ઘાયલ થયા હતા.
ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેંડેએ કહ્યું હતું કે બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં આરોપી ચિરાગ રાજકુમાર સોની (21) વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લેવાયો હતો.
આ પણ વાંચો: નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા: સગીરને તાબામાં લેવાયો
પોલીસના જણાવ્યા અનુસાર ચમનલાલ અને ચિરાગ બિઝનેસ પાર્ટનર હતા અને બજારમાં કેળાનાં પાન વેચતા હતા. તેમણે સાથે મળીને જળગાંવથી કેળાનાં પાન મગાવ્યાં હતાં, જેમાં ચાર બંડલ ચમનલાલના અને એક બંડલ ચિરાગનું હતું.
જોકે કેળાનાં પાનનાં બંડલો આવ્યાં ત્યારે ચમનલાલે પાંચેય બંડલ પોતાની પાસે રાખી લીધા હતા અને ચિરાગને હિસ્સો આપ્યા વિના તેને વેચવા માટે તે માર્કેટમાં લઇ આવ્યો હતો.
આ બાબતને લઇ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આથી ઉશ્કેરાયેલા ચિરાગે કાતરથી ચમનલાલ પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. ચમનલાલને બચાવવા વચ્ચે પડેલી તેની પત્ની અને પુત્ર પણ ઘવાયાં હતાં. (પીટીઆઇ)